ગાંધીનગર, 5 જુલાઈ, 2026 : Self-assessment system’ for property assessment શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હવે મિલક્તોની આકારણી માટે સેલ્ફ એસેસમેન્ટ સિસ્ટમ અમલમાં મુકવામાં આવશે. જેમાં નાગરિકો પોતાની મિલકત વેરા આકારણી જાતે જ ઓનલાઈન કરી શકશે. આ માટે મ્યુનિની સ્થાયી સમિતિ સમક્ષ નીતિ મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મિલક્તોની આકારણી માટે સેલ્ફ એસેસમેન્ટ સિસ્ટમ અમલમાં મુકવામાં આવશે. જેમાં નાગરિકો પોતાની મિલકત વેરા આકારણી જાતે જ ઓનલાઈન કરી શકશે. આ નવી વ્યવસ્થા હેઠળ નાગરિકો ઓનલાઈન પોર્ટલ પર મિલકત સંબંધિત વિગતો, સર્વે નંબર, માલિકીની માહિતી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરશે. ત્યારબાદ સિસ્ટમ આપમેળે મિલકત વેરાની આકારણી કરશે અને નાગરિકો તે આધારે વેરાની ભરપાઈ પણ કરી શકશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ દ્વારા મિલક્તોની વિગતોની ચકાસણી અને માપણી બાદ અંતિમ મંજૂરી આપવામાં આવશે. આ વ્યવસ્થા ‘’સિટિઝન સેન્ટ્રિક ગવર્નન્સ’’ અને ‘’ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ‘’ના હેતુને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવી રહી છે. તેના કારણે નાગરિકોને મિલકત વેરા માટે કચેરીઓમાં જવાની જરૂરિયાત ઘટશે, સમય અને ખર્ચ બંનેની બચત થશે તેમજ સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. સાથે જ કાગળ આધારિત કામગીરીમાં ઘટાડો થવાથી વહીવટી ખર્ચ પણ ઓછો થશે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન હાલમાં અમદાવાદ મ્યુનિની જેમ માઈક્રોલિંક આઈટી સિસ્ટમનો ઉપયોગ કરે છે. હવે તે જ સોફ્ટવેરમાં જરૂરી ફેરફારો કરીને સેલ્ફ એસેસમેન્ટ મોડ્યુલ ઉમેરવામાં આવશે. આ નીતિ અમલમાં આવ્યા બાદ ગાંધીનગરમાં મિલકત વેરાની પ્રક્રિયા વધુ ડિજિટલ, ઝડપી અને પારદર્શક બનશે તેમજ નાગરિકોને પોતાની મિલકતની આકારણી માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે. નવી નીતિ મુજબ અરજદારે મિલકત સંબંધિત તમામ વિગતો અને પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જો ખોટી કે અધૂરી માહિતી આપવામાં આવશે તો સ્વ-આકારણી રદ થઈ શકશે. અરજદાર દ્વારા આપવામાં આવેલી માહિતીની સંપૂર્ણ જવાબદારી પણ અરજદારની જ રહેશે. મિલકતની વિગતો અંગે કોઈ વિવાદ કે કોર્ટ કેસ ઉભો થાય તો તેની જવાબદારી મ્યુનિ,કોર્પોરેશનની રહેશે નહીં.

