Site icon Revoi.in

ગુજરાતભરમાં આજથી મહિના સુધી ટ્રાફિક પોલીસની હેલ્મેટ માટે ખાસ ડ્રાઈવ યોજાશે

Social Share

 અમદાવાદ, 1 મે 2026: Special drive for traffic police helmets રાજ્યમાં દ્વીચક્રી વાહનોના અકસ્માતના બનાવો વધી રહ્યા છે. અને મોટાભાગના દ્વીચક્રી વાહનચાલકોના હેલ્મેટ ન પહેરવાના કારણે મોત થતા હોય છે. ત્યારે દ્વીચક્રી વાહનચાલકો હેલ્મેટના કાયદાનું ચુસ્તરીતે પાલન કરે તે માટે રાજ્યના અમદાવાદ સહિત તમામ શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજે તા. 1લી મેથી તા.31 મે સુધી ખાસ ડ્રાઈવ યોજાશે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ટુ વ્હીલર ચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરે તેના માટે આ ડ્રાઇવ યોજવામાં આવી છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ નિયમોનું પાલન કરે તેના માટે સરકારી કચેરી પાસે પણ ટ્રાફિક પોલીસ મૂકવા અને કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ દ્વારા પરિપત્ર કરી જાણ કરવામાં આવી છે કે, વર્ષ 2025માં જુલાઈ મહિનામાં ગુજરાત રોડ સેફટી ઓથોરીટી અને સ્ટેટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક મળી હતી. બેઠકમાં સુરત શહેરમાં હેલ્મેટની અમલવારી ખૂબ સારી રીતે થઈ હોવાથી તે મુજબ અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોમાં પણ તબક્કાવાર હેલ્મેટની ચુસ્તપણે અમલવારી કરવા તેમજ રાજયના અન્ય શહેર/જીલ્લાઓ ખાતે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. જે સૂચના આધારે રાજ્યના તમામ શહેર/જીલ્લાઓ ખાતે દ્વિ-ચક્રી વાહન (મોટર સાઇકલ, સ્કુટર વગેરે) ચલાવનાર તેમજ પાછળ બેસનારે ફરજીયાત હેલ્મેટનો ઉપયોગ કરવાનો હોય છે.

રાજ્યમાં ટુ વ્હીલરચાલકો ફરજીયાત હેલ્મેટનો ઉપયોગ કરે તે માટે આજે 1મેથી 31 મે સુધી ‘ડ્રાઇવનું આયોજન’ કરવામાં આવ્યું છે. રાજયમાં હેલ્મેટના નિયમનું અમલ રાજયના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે માટે તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસ મૂકી કરી અસરકારક કાર્યવાહી કરવાની રહેશે. હેલ્મેટ ડ્રાઇવ અંગેની અમલવારી શહેર/જીલ્લાના વડાએ સુનિશ્ચિત કરવા/કરાવવાની રહેશે.

Exit mobile version