Site icon Revoi.in

અમદાવાદના એસપી રિંગ રોડ પર નિકોલ પાસે પૂરઝડપે કારએ સ્કૂટરને અડફેટે લીધુ

Social Share

અમદાવાદઃ શહેરમાં ઓવરસ્પીડમાં વાહનો ચલાવવાને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના એસપી રિંગ રોડ પર નિકોલ ચાર રસ્તા નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલી કાર સ્કૂટરને ટક્કર માર્યા બાદ પલટી ગઈ હતી, કારે જોરદાર ટક્કર મારતા સ્કૂટરનો ભૂકો બોલી ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક્ટિવાચાલક અને કારચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે,  શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા નિકોલ કઠવાડા ચાર રસ્તા નજીક બેફામ સ્પીડે મહેન્દ્રા XUV કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ન રહેતા કાર પલટી ગઈ હતી. કારચાલકે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, એક્ટિવાનો બુકડો બોલી ગયો હતો. જોકે અકસ્માતમાં એક્ટિવાચાલકને સામાન્ય ઇજાઓ થઈ હતી. જ્યારે કારચાલકને પણ ઇજાઓ થતા બંનેને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતું કે, નિકોલ ચાર રસ્તા બપોરે MAHINDRA XUV અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો છે. જેમાં એક્ટીવા ચાલક અને XUV ચાલક બંને ઈજાગ્રસ્ત થયેલા છે અને 108માં હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે.

ઘટના અંગેની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. અકસ્માત સર્જાતા નિકોલ ચાર રસ્તા ઉપર ટ્રાફિકના દૃશ્ય જોવા મળ્યા હતા. આઈ ડિવિઝન ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ટ્રાફિક દૂર કર્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.