રાજકોટ, 11 ઓગસ્ટ 2026 : Stock of explosives seized from a car in Rajkot. શહેરના ગોંડલ રોડ હાઇવે પર કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1500 કિલોની 12,000 નંગ જીલેટીન સ્ટિક, 30 બંડલ બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયર અને 4000 નંગ એક્સ્પ્લોજીવ ડિટોનેટરનો મોટો જથ્થો ઝડપી પાડી કુલ 5.95 લાખના મુદામાલ સાથે એક શખસની ધરપકડ કરી છે. જ્યારે ફરાર થયેલા બે શખસોને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
રાજકોટ શહેરના ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં ક્રાઈન બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે શિવ હોટલ પાસેથી એક બોલેરો કારને અટકાવીને તલાસી લેતા કારમાંથી એક્સ્પ્લોજીવને લાગતો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાહનચાલકનું નામ પૂછતાં પોતે પોતાનું નામ દોલા રઘુભાઇ મીર હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી બોલેરો કારમાંથી રૂ.2.40 લાખની 1500 કિલોની 12,000 નંગ જીલેટીન સ્ટિક, રૂ.15,000ના 30 બંડલ બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયર અને રૂ.40,000ના 4000 નંગ એક્સ્પ્લોજીવ ડિટોનેટરનો મોટો જથ્થો ઝડપી પાડી કુલ રૂ.5.95 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પુછપરછમાં આરોપી દોલા મીરએ આ એક્સ્પ્લોજીવનો જથ્થો મેંદરડાથી મિતુલ નામના શખસ પાસેથી લાવી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાડી ખાતે રહેતા હીરાભાઈ ઉર્ફે હિરેન અલગોતરએ આપવા જતો હોવાનું કહેતા પોલીસે રીસીવર અને સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી પાસે એક્સ્પ્લોઝીવ જથ્થા માટે કોઈ લાયસન્સ કે દસ્તાવેજી પુરાવા મળી ન આવતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે ફરાર આરોપી હીરા ઉર્ફે હિરેનએ માઇનિંગ કામ કરતા હોવાથી આ જથ્થો મંગાવ્યો હોવાનું આરોપી કહી રહ્યો છે.

