Site icon Revoi.in

અમદાવાદમાં LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલનો સ્લેબ તૂટી પડતા વિદ્યાર્થીને ઈજા

Social Share

અમદાવાદ, 15 એપ્રિલ 2026: LD Engineering College hostel slab collapses શહેરમાં એલ ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના બી બ્લોકનો સ્લેબ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજાઓ થતાં તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એલ ડી એન્જિનિયરિંગ હોસ્ટેલની બિલ્ડિંગ જર્જરિત હોવાની ઘણાસમયથી ફરિયાદો ઊઠી છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જર્જરિત બિલ્ડિંગને તાત્કાલિક મરામત કરવામાં નહીં આવે તો એનએસયુઆઈએ આંદોલન કરવાની ચીમકી આપી છે.

શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં બ્લોક નંબર બીના એક રૂમમાં છતની સ્લેબનો એક ભાગ ગઈકાલે 14 એપ્રિલની રાત્રે અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્ટેલના વિદ્યાર્થીઓના કહેવા મુજબ ગઈ રાત્રે 9:30 વાગ્યે બ્લોક Bમાં રૂમ નંબર 204માં સ્લેબ તૂટી પડવાની ઘટના બની હતી. રૂમમાં 2 બેડ હતા, જેમાં વિદ્યાર્થીઓ બેઠા હતા ત્યારે અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીના પીઠ પર ઈજા પહોંચી હતી. જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

NSUIના વિદ્યાર્થી અગ્રણી કાતરી આશિષે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો એક ભાગ (સ્લેબ) પડવાથી એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને લઈ કોલેજ પ્રશાસન અને સરકાર પર આક્ષેપ કર્યાં કે, હોસ્ટેલની બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઘટના કાલે રાત્રે અંદાજે 9થી 10 વાગ્યાની આસપાસ બની હતી. મને એક વિદ્યાર્થીનો ફોન આવ્યો કે આવી ઘટના બની છે અને તમે અહીં તપાસ કરવા આવો. આ બિલ્ડિંગ અત્યંત જર્જરિત છે અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. અગાઉ પણ અહીં વિદ્યાર્થીઓના આપઘાત, હુમલા કે અન્ય વિવાદો સમયે પ્રશાસને માત્ર બહાના જ કાઢ્યા છે. જો વિદ્યાર્થી સૂતો હોત અને સ્લેબ તેના મોઢા પર પડ્યો હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત. હાલ તે વિદ્યાર્થી સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો આગામી સમયમાં કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો NSUI દ્વારા LD એન્જિનિયરિંગ કોલેજનો ઘેરાવો કરવામાં આવશે અને તાળાબંધીનો કાર્યક્રમ યોજાશે.

Exit mobile version