Site icon Revoi.in

અમદાવાદમાં એસજી હાઈવેના સોલા બ્રિજ પર ટાયર ફાટતા ટેમ્પાએ પલટી ખાધી

Social Share

અમદાવાદઃ શહેરમાં એસજી હાઈવે પર આજે વહેલી સવારે એક ટેમ્પો સોલા બ્રિજ પરથી પૂર ઝડપે જઈ રહ્યો હતો. ત્યારે ટેમ્પાનું ટાયર ફાટતા ટેમ્પાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો બ્રિજ પર પલટી ગયો હતો. વહેલી સવારે આ બનાવ બન્યો હોવાથી કોઈ જાનહાની થઈ નથી. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.

આ બનાવની વિગત એવી છે કે,  આજે ગુરૂવારે વહેલી સવારે એક આઈસર ટેમ્પો સામાન ભરીને સોલા બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે જ અચાનક ધડાકાભેર ટેમ્પાનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેમ્પાચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટેમ્પાએ બ્રિજની વચ્ચોવચ પલટી મારી હતી. આથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. આ અકસ્માત બ્રિજની વચ્ચે જ થયો હોવાથી પાછળથી આવતા વાહનોની ગતિ થંભી ગઈ હતી. જોતજોતામાં સોલા બ્રિજથી લઈને ઠેઠ ગોતા અને થલતેજ સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઓફિસ ટાઈમ હોવાથી નોકરીયાત વર્ગ અને અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.

 

Exit mobile version