Site icon Revoi.in

ઈડરના સપ્તેશ્વર નજીક સાબરમતી નદીમાં નહાવા પડેલા કિશોરનું ડૂબી જતા મોત

Social Share

ઈડર, 15 જુન, 2026 : Teenager dies after drowning in Sabarmati river  સાબરકાંઠા જિલ્લાના ઈડર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક પસાર થતી સાબરમતી નદીમાં નહાવા પડેલા એક કિશોરનું ઊંડા પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અને યાત્રાધામ સપ્તેશ્વર ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે, સાબરમતી નદીના કિનારે આવેલા સપ્તેશ્વર મહાદેવજી મંદિરમાં દર્શન માટે આવેલા એક પરિવારનો કિશોર આજે સવારે નદીમાં નહાવા માટે ગયો હતો. નદીના જે ભાગમાં તે નાહવા ગયો હતો તે વિસ્તાર અત્યંત જોખમી તરીકે ઓળખાય છે. કિશોર પાણીના ઊંડાણનો અંદાજ ન લગાવી શકવાના કારણે અચાનક નદીના જોખમી ધરા વિસ્તારમાં ડૂબવા લાગ્યો હતો અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કિશોરને પાણીમાં ડૂબતો જોઈને કિનારા પર હાજર અન્ય સ્થાનિક લોકો અને તરવૈયાઓએ તેને બચાવવા માટે તાત્કાલિક પાણીમાં કૂદીને ભારે પ્રયાસો કર્યા હતા.

આ બનાવની જાણ સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા ફાયર ફાયટરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા નદીમાં સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ અંતે કિશોરના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

આ બનાવની જાણ થતાં જાદર પોલીસ મથકનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જાદર પોલીસે કિશોરના મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સપ્તેશ્વર નદીના જોખમી વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા ચેતવણીના બોર્ડ મારવામાં આવ્યા હોવા છતાં લોકો જીવના જોખમે નાહવા પડતા હોય છે.

Exit mobile version