Site icon Revoi.in

માહિતી ખાતાની કામગીરીને વધુ વેગવાન બનાવવા પોઈચામાં ચિંતન શિબિર

Social Share

રાજપીપળા, 13 ફેબ્રુઆરી 2026: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાજ્ય કક્ષાની ચિંતન શિબિર યોજાયા બાદ વિવિધ વિભાગોની ચિંતન શિબિરો યોજાઇ રહી છે. આ શ્રેણીમાં આજે નર્મદા જિલ્લાના નીલકંઠધામ-પોઈચાથી માહિતી ખાતાની તા.૧૩ અને ૧૪ ફેબ્રુ-દરમિયાન બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે.

માહિતી ખાતાની કામગીરી સાથે સંકળાયેલા રાજ્યભરના વર્ગ ૧-૨ના અધિકારીઓ આ બે દિવસીય ચિંતન શિબિરમાં જન કલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે છેવાડાના માનવીઓ સુધી પહોંચાડવા સંદર્ભે પ્રત્યાયન માધ્યમોના બદલાતા જતા પ્રવાહો અને ટેકનોલોજીના ઉપયોગ અને પડકારો બાબતે મનોમંથન કરશે.

શિબિરના શુભારંભ અવસરે ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા માહિતી માહિતી કમિશનર કે. એલ. બચાણીએ જણાવ્યું હતું કે, ડિજીટલ ટેકનોલોજીના કારણે વિશ્વભરની જાણકારી, માહિતી હાથવગી બની છે, માહિતીનો વ્યાપ સર્જાયો છે, આવા સંજોગોમાં છેવાડાના માનવી સુધી જ્યારે કોઈ યોજના કે સરકારી નિર્ણય પહોંચે, ત્યારે તેમાં કોઈ ક્ષતિ કે ગેરસમજ ન હોય તે જોવાની જવાબદારી આ વિભાગની છે.

ચિંતન શિબિરની ટેગલાઈન ‘સેવા એ જ સાધના, શબ્દની આરાધના’નો ઉલ્લેખ કરતા કમિશનરએ જણાવ્યું કે, આપણું સમગ્ર કામ શબ્દોની આસપાસ વણાયેલું છે. સંસ્કૃતની ‘ધ્રુ’ ધાતુ પરથી ઉતરી આવેલા ‘ધર્મ’ શબ્દને ટાંકીને કહ્યું કે, જે ધારણ કરવા યોગ્ય છે તે જ ધર્મ છે, અને માહિતી ખાતા માટે શબ્દની ગરિમા જાળવવી એ જ પરમ ધર્મ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેને પ્રેરણામંત્ર માને છે એ ‘સ્વાન્ત: સુખાય’- જનકલ્યાણમાં જ આનંદના વિચારને વણી લેતા  બચાણીએ કહ્યું કે, જ્યારે આપણી પ્રેસ રીલીઝ વાંચીને કોઈ નાગરિકને સરકારી યોજનાનો લાભ મળે, આપણું પ્રકાશન વાંચીને કોઈ બહેન ‘ડ્રોન દીદી’ બને કે આપણી જાહેરાત જોઈને કોઈ યુવાન સ્ટાર્ટઅપ શરૂ કરે ત્યારે આપણને થતા આત્મસંતોષની અનુભૂતિ અવર્ણનીય હોય છે. શબ્દની આરાધનાનું કામ માત્ર વ્યક્તિગત નથી, પણ કોઈ લાભાર્થી પરિવાર અને સમાજને પોઝિટિવ રીતે પ્રભાવિત કરવાનું પુણ્યશાળી કાર્ય છે.

તેઓએ માહિતી અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે, લોકોના રસ અને તેમની જરૂરિયાતોને પારખીને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી જન- જન સુધી પહોંચે તે માટે ટીમ માહિતી વધુ સુસજજ બને. કારણ કે માહિતી ખાતાની ભૂમિકા માત્ર સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર પૂરતી મર્યાદિત નથી, પણ સરકાર અને જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ બાંધવાની છે.

તેમણે અધિકારીઓને ટકોર કરી હતી કે આપણી માહિતી પ્રસ્તુત, અસરકારક અને વિશ્વાસપાત્ર હોવી જોઈએ. ડિજિટલ યુગમાં માહિતી ખાતાની જવાબદારી માત્ર ‘માહિતી પ્રસારણ’ની નથી, પણ ‘જનસેવા અને જનજાગૃતિ’ની છે. તે ટેકનોલોજીના વેગ અને સામાન્ય માનવીની જરૂરિયાત વચ્ચેની કડી છે.

અવિરત ચાલતી માહિતી ખાતાની પ્રચાર પ્રસરની કામગીરી વચ્ચે નર્મદા કાંઠે યોજાઇ રહેલી આ ચિંતન શિબિર માહિતી અધિકારીઓને નવા વિચારો અને નવી ઊર્જા પૂરી પાડી મોટીવેટ થવાની તક પૂરી પાડશે એવો વિશ્વાસ નિયામકશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ટ્રેઈનર અને લાઈફ કોચ  દીપકભાઈ તેરૈયાએ ‘કામને ગમતું કરો અથવા ગમતું કામ કરો’ વિષય પર પ્રેરક સંબોધન કરતા કહ્યું કે, ઘણીવાર આપણને જે ગમે છે તે કામ મળતું નથી, અને જે કામ મળે છે તે આપણને ગમતું નથી. આ દ્વંદ્વમાં જ માણસ તણાવ અનુભવે છે. પરિસ્થિતિ હંમેશા ધાર્યા પ્રમાણે નથી હોતી. જ્યારે જવાબદારીઓ વચ્ચે મનગમતું કામ ન મળે, ત્યારે ‘કામને ગમતું કરો અથવા ગમતું કામ કરો’ આ અભિગમ જાદુઈ સાબિત થાય છે. દ્રષ્ટિકોણ બદલીએ. કામને બોજ સમજવાને બદલે તેને કંઈક નવું શીખવાની તક તરીકે લો.

આ પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના ઉપસચિવ  દીપ પટેલ, મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદી, અધિક માહિતી નિયામક  અરવિંદ પટેલ, સંયુક્ત માહિતી નિયામકો, નાયબ માહિતી નિયામકો, સહાયક માહિતી નિયામકો, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version