કૈલાસ માનસરોવરની યાત્રા આ મંદિરના દર્શન કર્યા વગર છે અધૂરી
હિન્દુ ધર્મમાં કૈલાશ માનસરોવરની યાત્રાનું ખૂબ જ ધાર્મિક માહાત્મ્ય છે. માનસરોવર કૈલાશ પર્વત પર આવેલો છે. ધાર્મિક ગ્રંથો અને માન્યતા અનુસાર કૈલાશ પર્વતને મેરુ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે જે બ્રહ્માંડની ધરી છે તેમજ શંકર ભગવાનનું આ મુખ્ય નિવાસસ્થાન છે. અહીંયાં જ દેવી સતીમાનો જમણો હાથ પડ્યો હતો! એટલે જ અહીં એક પાષાણ શિલા છે જેને તેમનું રૂપ માનીને તેમની પૂજા કરવામાં આવે છે.
જે શ્રદ્ધાળુઓ કૈલાસ માનસરોવરની યાત્રા માટે નિકળ્યા હોય છે તેમના માટે સૌથી પહેલાં `વાસુકી નાગ મંદિર’નાં દર્શન કરવાં આધ્યાત્મિક દૃષ્ટિએ ખૂબ જ જરૂરી બને છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે કૈલાશ માનસરોવરની યાત્રા કરતાં પહેલાં જો આ મંદિરમાં વિરાજમાન નાગોના રાજા વાસુકી નાગનાં દર્શન ન કરવામાં આવે તો કૈલાશ માનસરોવરની યાત્રાથી તમને જે ફળ મળવાનું હોય છે તે ફળ પૂર્ણરૂપે મળતુ નથી. આથી આ મંદિરનાં દર્શન કરવાં ખાસ જરૂરી બને છે.
આ મંદિર કેવી રીતે પહોંચશો?
આ પ્રસિદ્ધ મંદિર ભદ્રવાહથી માત્ર ત્રણ કિલોમીટર દૂર છે, જ્યાં તમે ચાલીને પણ જઇ શકો છો અથવા ખાનગી વાહન લઇને પણ જઇ શકો છો. જ્યારે ભદ્રવાહથી જમ્મુ અંદાજિત 185થી 200 કિલોમીટર થાય છે. જે માટે ખાનગી વાહનોનો સહારો લઈ શકાય છે. ભદ્રવાહથી સૌથી નજીકનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન જમ્મુમાં છે. આ એરપોર્ટ અને રેલવે સ્ટેશન ભારતનાં ઘણાં મુખ્ય શહેરો સાથે જોડાયેલાં છે.
વાસુકી મંદિર નિર્માણ અને તેનું આધ્યાત્મિક-ઐતિહાસિક મહત્ત્વ
જમ્મુથી અંદાજિત 185થી 200 કિલોમીટરના અંતરે આવેલા ભદ્રવાહમાં આ વાસુકી મંદિર આવેલું છે. આમ તો આ મંદિર ભદ્રવાહમાં આવેલું છે એટલે તેને ભદ્રકાશી નામથી પણ ઓળખવામાં આવે છે. ભદ્રવાહ ડોડા જિલ્લામાં આવેલું હોઈ તે મિની કાશ્મીર જેવા નામથી પણ ઓળખાય છે. વાસુકી નાગ મંદિરનાં દર્શન માટે દેશભરમાંથી અને દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિર 11મી સદીમાં બાંધવામાં આવ્યું હતું અને આ મંદિર પર સૌ હિન્દુઓની આસ્થા જોડાયેલી છે. આ મંદિર મૂર્તિકલાની દૃષ્ટિએ અને વાસ્તુકલાની દૃષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે.
ધર્મ ગ્રંથોમાં વાસુકી નાગનો ઉલ્લેખ
પુરાણોમાં વાસુકીને નાગોના રાજા તરીકે દર્શાવવામાં આવ્યા છે. ધર્મગ્રંથોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તે નાગ ભગવાન શિવના ગળામાં લપેટેલા રહે છે તેમજ તે મહર્ષિ કશ્યપ તેમજ કદ્રૂના સંતાન તરીકે પણ ઓળખાય છે. જ્યારે તેની પત્નીનું નામ શતશીર્ષા છે, જે શેષનાગના નાના ભાઈ પણ છે. શેષનાગ દ્વારા રાજપાટનો ત્યાગ કર્યા બાદ તેમને સર્પોના રાજા બનાવવામાં આવ્યા. અન્ય ધર્મગ્રંથોના જણાવ્યાનુસાર, સમુદ્રમંથનના સમયે નાગરાજ વાસુકીનું નેતી (દોરડું) બનાવવામાં આવ્યું હતું. આ સિવાય પણ આ નાગનો ઉલ્લેખ ઘણા ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. ધાર્મિક ગ્રંથોના જણાવ્યા પ્રમાણે ત્રિપુરદાહ (એક યુદ્ધમાં ભગવાન શિવે એક જ બાણથી રાક્ષસોનાં ત્રણ સામ્રાજ્યનો નાશ કર્યો હતો)ના સમયે વાસુકી ભગવાન શિવના ધનુષ્યની પણછ બન્યા હતા!
નાગરાજ વાસુકીને સમર્પિત આ મંદિરમાં રાજા જમુટ વાહનની પ્રતિમા સ્થાપિત છે. આ પ્રતિમા 87 ડિગ્રી સુધી નમેલી છે. આ મંદિરથી થોડાં અંતરે જ નાગરાજ વાસુકીનું નિવાસસ્થાન છે જેને કૈલાશ કુંડ કે વાસુકી કુંડ તરીકે ઓળખવામાં આવે છે.