- કોંગ્રેસ સાથે કોઈપણ જોડાણ નહીં કરીએ,
- ગુજરાતમાં આપ’ના સદસ્યા અભિયાનનો કેજરિવાલે પ્રારંભ કરાવ્યો,
- ગુજરાતમાં ભાજપએ 30 વર્ષના શાસનમાં બરબાદ કરી નાંખ્યુઃ કેજરિવાલ
અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ વિધાનસભાની વિસાવદરની બેઠકની પેટા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હાલ ફુલ ફોર્મમાં છે. અને ગુજરાતમાં પાયો મજબુત કરવા માટે ભાજપની જેમ મોબાઈલ નંબર જાહેર કરીને સભ્યો નોંધવામાં આવી રહ્યા છે. લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડાવવા અપીલ પણ કરવામાં આવી છે. આપ’ના સર્વેસર્વા અરવિંદ કેજરિવાલ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે એવી જાહેરાત કરી હતી કે, બિહારમાં આમ આદમી પાર્ટી એકલા હાથે તમામ બેઠકો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે ચૂંટણી જોડાણ કરવામાં આવશે નહીં,
બિહારમાં ચૂંટણી લડવાની કેજરીવાલે ગુજરાતમાંથી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેમાં ભાજપની જેમ એક મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કહી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાથે કોઈપણ ગઠબંધન નથી. તેમને યુવાનોને અપીલ કરી હતી કે માત્ર બે વર્ષ આપી દો, આ એક હવન છે એમાં આહુતિ આપો.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે 9512040404 નંબર જાહેર કરી તેની પર મિસ કોલ કરીને લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડાવવા અપીલ કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતુ કે વિસાવદરની ચૂંટણીમાં જનતાએ અમારા પર વિશ્વાસ કર્યો છે. ગુજરાતનો વિકાસ કરવો હોય તો યુવાનો અમારી સાથે જોડાવો. માત્ર બે વર્ષ આપી દો આ એક હવન છે, એમાં આહુતિ આપો. ગુજરાતનો વિકાસ જોઈએ તો આમ આદમી પાર્ટીમાં જોડાઓ. વિસાવદરની જીત કોઈ મોટી જીત નહીં પરંતુ 2027ની સેમી ફાઈનલ છે. ભાજપે ગુજરાતમાં 30 વર્ષ શાસન કર્યું છે અને ગુજરાતને બરબાદ કરી નાખવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આખું સુરત શહેર પાણીમાં ડુબી રહ્યું છે. આ સુરતની પરિસ્થિતિ ભાજપના ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. ગુજરાતમાં રોડ ખરાબ છે. પેપર લિક થઈ રહ્યા છે. અમારી પાર્ટી બધાથી અલગ છે. કોંગ્રેસ સાથે કોઈપણ ગઠબંધન નથી. INDIA સાથે માત્ર લોકસભા પૂરતું ગઠબંધન હતું. વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસ અમને ભાજપ સાથે મળીને હરાવવા આવી હતી.