Site icon Revoi.in

જીંદગીમાં અનેક ભૂલો કર્યાનું આમીર ખાને સ્વિકાર્યું, એક ઈન્ટરવ્યુમાં જીવનમાં લીધેલા નિર્ણયો અંગે કર્યો ખુલાસા

Social Share

મુંબઈઃ બોલીવુડના જાણીતા અભિનેતા આમિર ખાન પોતાના કામની સાથે સાથે પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તે તેની નવી ગર્લફ્રેન્ડ ગૌરીને કારણે પણ ચર્ચામાં છે. હાલમાં જ આમિરે એક ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેમાં તેણે પ્રેમ, પરિવાર, ફિલ્મો અને જીવનમાં લીધેલા નિર્ણયો વિશે ખુલીને વાત કરી હતી.

ઇન્ટરવ્યૂ દરમિયાન આમિરને પૂછવામાં આવ્યું હતું કે, તેના મતે પ્રોફેશનલ કે અંગત જીવનમાં તેની સૌથી મોટી ભૂલ કઈ છે? આ અંગે આમિર ખાને જણાવ્યું હતું કે “ ‘મેં મારા જીવનમાં ફક્ત એક જ નહીં પણ ઘણી ભૂલો કરી છે. હું આજે જે કંઈ છું તે ફક્ત મારી સફળતાને કારણે જ નહીં પણ તે ભૂલોને કારણે પણ છું. હું તમને એક સરળ વાત કહીશ. રીના અને મારા લગ્ન ખૂબ જ વહેલા થઈ ગયા. હું 21 વર્ષનો હતો અને તે 19 વર્ષની હતી. લગ્ન પહેલા અમે ફક્ત ચાર મહિનાથી એકબીજાને ઓળખતાં હતાં.’ “તે ચાર મહિનામાં પણ અમે એકબીજા સાથે ખૂબ જ ઓછો સમય વિતાવ્યો. અમને એકબીજા માટે ખૂબ પ્રેમ હતો તેથી અમે લગ્ન કર્યા. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને લાગે છે કે લગ્ન જેવું મહત્વપૂર્ણ પગલું ખૂબ જ સમજી-વિચારીને ભરવું જોઈએ. તે સમયે, યુવાનીના ઉત્સાહમાં, તમને ઘણી વસ્તુઓ સમજાતી નથી, પણ પછીથી તમને ખ્યાલ આવે છે. જોકે, રીના સાથે મારું જીવન ખૂબ જ સુંદર રહ્યું છે. તો તમારે આના પરથી એવું ન માની લેવું જોઈએ કે રીના ભૂલમાં હતી.”

આમિરે વધુમાં જણાવ્યું હતું કે, ‘રીના એક અદ્ભુત વ્યક્તિ છે. અમે એકબીજા સાથે મોટા થયા છીએ. અમે એકબીજાનો ખૂબ આદર કરીએ છીએ. હૃદયમાં એકબીજા માટે ખૂબ પ્રેમ છે. મને લાગે છે કે કોઈએ આટલી નાની ઉંમરે, આટલી વહેલી ઉતાવળમાં આટલું મોટું પગલું ન ભરવું જોઈએ. તો આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને લાગે છે કે જો મેં તે નિર્ણય ન લીધો હોત, તો આજે હું તમારી સામે બેઠો ન હોત. હું તેના માટે તેને દોષ આપી શકતો નથી કારણ કે મને તે લગ્નમાંથી બે સૌથી સુંદર ભેટો મળી હતી – જુનૈદ અને ઇરા. મને રીના સાથે 16 વર્ષ વિતાવવા મળ્યા. આ બધી બાબતો ભૂલો નથી પણ સારી બાબતો છે.

એક રીતે, હું તેને ભૂલ કહીશ કે ચાર મહિનામાં અમે નક્કી કરી લીધું કે અમે લગ્ન કરી રહ્યા છીએ. આટલો મોટો નિર્ણય આટલી ઝડપથી લેવામાં આવ્યો. મારા જીવનમાં આવી ઘણી ઘટનાઓ બની છે. માણસ ભૂલો કરે છે અને તેમાંથી શીખે છે.’

નોંધનીય છે કે, આમિરે તેની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત’ના શૂટિંગ દરમિયાન રીના દત્ત સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2000માં, બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા. બંનેને બે બાળકો છે, જુનૈદ અને આઇરા. આમિરે 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં અને 2021માં બંને અલગ થઈ ગયાં હતાં. બંનેને આઝાદ નામનો એક પુત્ર છે. હાલમાં, તે ગૌરી સ્પ્રેટ સાથે રિલેશનશિપમાં છે.

Exit mobile version