1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં આપ’ના અરવિંદ કેજરિવાલનો હુંકાર, અમે વિપક્ષમાં નહીં બેસીએ, પણ સરકાર બનાવીશું
અમદાવાદમાં આપ’ના અરવિંદ કેજરિવાલનો હુંકાર, અમે વિપક્ષમાં નહીં બેસીએ, પણ સરકાર બનાવીશું

અમદાવાદમાં આપ’ના અરવિંદ કેજરિવાલનો હુંકાર, અમે વિપક્ષમાં નહીં બેસીએ, પણ સરકાર બનાવીશું

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીએ પણ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. એટલે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ રવિવારે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. તેમણે  અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટી ગુજરાતના સંગઠનના 7500 જેટલા પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે વિપક્ષમાં નહીં બેસીએ પણ ગુજરાતમાં સરકાર બનાવીશું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં રવિવારે આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓને શપથ લેવડાવતાં જણાવ્યું હતું કે, આજે ઇમાનદારીના શપથ લેવાના છે. આજે ઇમાનદારી, કટ્ટર દેશભક્તિ, ઇન્સાનીયતની શપથ લેવાની છે. ગુજરાતમાં આપ’નું કોંગ્રેસ સંગઠનથી અનેકગણું મોટું સંગઠન બની ગયું છે. કોંગ્રેસ માત્ર કાગળ પર જ સંગઠન રહ્યું  છે. આપ’નું વિધાનસભા સ્તરનું સંગઠન બની ગયુ છે. અને એક અઠવાડિયા બાદ દરેક બુથ પર 10-10 કાર્યકરનું સંગઠન બનશે. 2 મહિનામાં ભાજપથી મોટું સંગઠન બનશે.

આપ’ના કેજરિવાલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં  હજારો લોકો પૈસા બીજી પાર્ટીમાંથી લઈ અને કામ આમ આદમી પાર્ટી માટે કરશે. ભાજપ પાસે પેઇડ કાર્યકરો છે. બીજી પાર્ટી ગુંડાઓની પાર્ટી છે, આમ આદમી શરીફની પાર્ટી છે. 57 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને એકપણ વોટ પડવો ન જોઈએ. જે લોકો ભાજપને હટાવવા માંગે છે પરંતુ કોંગ્રેસને વોટ નથી આપતા. જે લોકો ભાજપથી નારાજ છે તેઓના દરેક વોટ આમ આદમી પાર્ટીને મળવા જોઈએ.

તેમણે ઉમેર્યું હતું કે, આપણે વિપક્ષ બેસવાનું નથી પરંતુ સરકાર બનાવવાની છે. ભાજપે ડેલીગેશન મોકલ્યું, પોલ ખોલવા માટે બે દિવસ ત્યાં ફર્યા પરંતુ કોઈ સ્કૂલ કે હોસ્પિટલમાં કંઈ ન મળ્યું. 4 વાગ્યાની પ્રેસ રાખી અને બાદમાં કેન્સલ કરવી પડી. ગુજરાત આવી પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કરી પણ અહીંયા પણ ન કરી. ગુજરાતમાં કોંગ્રેસનું કોઈ કેમ્પેઈન નથી. મિત્રો તમારાથી બહુ આશા છે. લોકો બદલાવ ઈચ્છે છે પરંતુ વિકલ્પ નહોતો. મહેનત કરવાની છે. પૂરો વિશ્વાસ છે કે ભગવાન સાથ આપશે.

અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના બીજા સૌથી મોટા સંગઠનમાં 7500 પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા. જેમાં હાલમાં 6000 થી વધુ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આ પહેલા 1500 લોકોનું સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં ફ્રી વીજળી આંદોલન શરૂ કર્યું છે. ભ્રષ્ટ ભાજપ સરકાર ગુજરાતની જનતાને મફત વીજળી કેમ નથી આપી રહી? વીજળી મુદ્દે પણ અરવિંદ કેજરીવાલ કાર્યક્રમ કરવાના છે. 4થી  જુલાઈના રોજ સવારે 11 વાગ્યે વીજળીના મુદ્દે વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલ કાર્યક્રમ યોજશે. જેમાં ગુજરાતમાં ફ્રી વીજળી મુદ્દે તેઓ ચર્ચા કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code