Site icon Revoi.in

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સુરત નજીક ગેસ ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત

Social Share

સુરત, 5 જુન, 2026 Accident between gas tanker and trailer દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર હાઇ-વે નંબર 52 પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે સુરત નજીક ધામદોડ ગામ પાસે એક્સપ્રેસ-વે પર પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા ગેસ ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના કુરચે-કુરચા ઉડી ગયા હતા અને હાઇવેની વચ્ચોવચ્ચ જ ફસાઈ પડ્યા હતા. ટેન્કરમાં જ્વલનશીલ ગેસ હોવાને કારણે મોટી દુર્ઘટનાનો ભય હતો, પરંતુ સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  ‘તમિલનાડુ રોડલાઈન્સ’ અને ‘હલ્દિયા પેટ્રોકેમિકલ્સ લિમિટેડ’ સાથે સંકળાયેલું પ્રોપિલિન ગેસ (Propylene Gas) ભરેલું એક ટેન્કર (રજીસ્ટ્રેશન નંબર: NL 01 AG 4004)  એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું.  દરમિયાન એક્સપ્રેસ-વે પર જ આગળ જઈ રહેલા અન્ય એક ભારે માલવાહક વાહન ટ્રેલર (રજીસ્ટ્રેશન નંબર: MH 46 AR 2348) સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. હાઇવે પર ફૂલ સ્પીડમાં જઈ રહેલા આ બંને વાહનો વચ્ચે અચાનક થયેલા અકસ્માતને કારણે બંને વાહનોના આગળના અને સાઈડના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ટક્કર બાદ બંને વાહનો એકબીજા સાથે ચુંબકની જેમ લોખંડમાં ચોંટી ગયા હતા. ટેન્કરમાં પ્રોપિલિન ગેસ જેવો અત્યંત જ્વલનશીલ પદાર્થ ભરેલો હોવાથી હાઇ-વે પર બ્લાસ્ટ થવાનો ડર સતાવી રહ્યો હતો, જેને કારણે વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી કટોકટી વ્યવસ્થાપન (Emergency Management) ની ટીમે જરાય સમય બગાડ્યા વિના મેગા હાઇડ્રોલિક ક્રેન મશીનની મદદ લીધી હતી. ક્રેનની મદદથી ખૂબ જ સાવચેતીપૂર્વક કલાકોની ભારે જહેમત બાદ બંને વાહનોને એકબીજાથી અલગ કરવામાં આવ્યા હતા અને તેને હાઇવેની એક સાઈડ પર ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં બંને વાહનોના કેબિનના ભાગ તૂટી ગયા છે. ગેસ ટેન્કરના સાઈડના ભાગમાં મોટું નુકસાન થયું છે, તેમજ વાહનની સાઈડિંગમાં આવેલો ગ્લાસનો આખો ભાગ તૂટીને રોડ પર પથરાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે કાચના ટુકડા સાફ કરાવી, ટ્રાફિક વ્યવસ્થાને થાળે પાડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને અકસ્માત અંગે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version