Site icon Revoi.in

ઝીરો-વેસ્ટ-ટુ-લેન્ડફિલ કંપની તરીકે અદાણી એનર્જી સોલ્યુશન્સ પ્રમાણિત

Social Share

અમદાવાદ : આજે અદાણી એનર્જી સોલ્યુશન્સે જણાવ્યું હતું કે તેના વ્યવસાયિક કામકાજના તમામ સ્થળો અને કોર્પોરેટના મુખ્ય મથકને એક અગ્રણી વૈશ્વિક કુલ ગુણવત્તા ખાતરી કરાવતી ઇન્ટરટેક દ્વારા ‘ઝીરો-વેસ્ટ-ટુ-લેન્ડફિલ’ (ZWL) પ્રમાણિત કરવામાં આવ્યા છે. કંપનીએ ૧૦૦% ડાયવર્ઝન રેટ અને 0% લેન્ડફિલ કચરાનું લક્ષ્ય હાંસલ કર્યું છે.

“ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ” અર્થાત લેન્ડફિલ્સમાંથી ઓછામાં ઓછો ૯૦% કચરો અન્ય દીશામાં વાળવો, આ ઘટાડો મુખ્યત્વે ચીજ વસ્તુનો પુનઃઉપયોગ અને પુનઃપ્રાપ્તિની વ્યવસ્થાપન નીતિનો ભાગ છે જે સંસાધનોને શક્ય તેટલા લાંબા સમય સુધી ઉપયોગમાં રાખીને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી છેવટે નવી વર્જિન સામગ્રીની જરૂરિયાત ઘટાડીને પર્યાવરણીય અસરમાં ઘટાડો કરે છે.

આ માન્યતા ESG બેન્ચમાર્કિંગમાં વૈશ્વિક સ્તરે ટોચની ૧૦ ઇલેક્ટ્રિક યુટિલિટી કંપનીઓમાં સ્થાન મેળવવાના સ્વપ્ન સાથે નાણાકીય વર્ષ-૨૧માં શરુ થયેલી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના ESG તરફના પ્રયાણમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ દર્શાવે છે, છેલ્લા ત્રણ વર્ષોમાં કંપનીએ અનુક્રમે ૯૯.૮૭%, ૯૯.૮૮% અને ૯૯.૯૯% ના પ્રભાવશાળી ડાયવર્ઝન દર હાંસલ કર્યા છે. તેના પરિણામ સ્વરુપ સતત ત્રણ વર્ષ સુધી ૯૯% થી વધુ ડાયવર્ઝન જાળવી રાખનારી ભારતની તે પ્રથમ ટ્રાન્સમિશન કંપની બની છે. ચાલુ વર્ષે પણ અદાણી એનર્જી સોલ્યુશન્સ એકમાત્ર ટ્રાન્સમિશન યુટિલિટી છે જે સો ટકાના સુવર્ણ આંકડાને આંબી ગઇ છે.

કંપનીના કાર્યક્ષેત્રો ૧૬ રાજ્યોમાં ૫૪ સ્થળોએ વિસ્તરેલા છે. આમાંના ઘણા સ્થળો દૂરના અને સુખ સવલત વિહોણા વિસ્તારોમાં છે જેના કારણે તેના માટે ZWLનો દરજ્જો પડકારજનક બની રહે છે. આ સિદ્ધિ કંપનીની મજબૂત ESG પ્રતિબદ્ધતાનો પુરાવો છે, જે શ્રેષ્ઠ કામગીરીને ટકાઉપણા સાથે જોડે છે.