અમદાવાદ : ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી થર્મલ વીજ ઉત્પાદક અદાણી પાવર લિ. એ તાજેતરમાં પૂર્ણ થયેલી ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ. દ્વારા તેને કુલ ૪૬૦૦ મેગાવોટ ક્ષમતાનો કરાર આપવામાં આવ્યો હોવાની માહિતી આપતા કંપનીએ જણાવ્યું હતું કે અદાણી પાવર લિ. ને આજે મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ તરફથી ‘ગ્રીન શુ ઓપ્શન‘ હેઠળ ૮૦૦ મેગાવોટની વધારાની ક્ષમતાનો લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. આ જ બિડિંગ પ્રક્રિયામાં ૮૦૦ મેગાવોટ ક્ષમતાનો પ્રારંભિક એવોર્ડ જીતવામાં કંપની સફળ રહી હોવાના અનુસંધાને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. છેલ્લા ૧૨ મહિનામાં કંપનીને મળેલા વીજ પુરવઠો આપવા મળેલો આ પાંચમો મોટો ઓર્ડર છે પરિણામે હવે કરારની કુલ ક્ષમતા ૭,૨૦૦ મેગાવોટે પહોંચી છે.
વધારાની આ ૮૦૦ મેગાવોટની ક્ષમતા kWh દીઠ રૂ. ૫..૮૩૮ ના સમાન ટેરિફ પર આપવામાં આવી છે જે અગાઉ આપવામાં આવેલી સરખી ૮૦૦ મેગાવોટ ક્ષમતા પર લાગુ પડે છે. તદનુસાર અદાણી પાવર મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન અને ઓપરેટ (DBFOO) મોડેલ હેઠળ સ્થાપિત થનારા ૮૦૦ મેગાવોટ ક્ષમતાના નવા બે મળી કુલ ૧૬૦૦ મેગાવોટની ક્ષમતાના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર યુનિટમાંથી વીજળી પૂરી પાડશે. આ બન્ને એકમો નિયત તારીખથી પાંચ વર્ષમાં કાર્યરત થશે. કંપની પ્લાન્ટ અને સંબંધિત માળખાગત સુવિધાઓના નિર્માણ માટે લગભગ રૂ. ૨૧,૦૦૦ કરોડનું રોકાણ કરશે.
કોલસા આધારિત વીજ ખરીદીમાં નવીન ગ્રીનશૂ મિકેનિઝમનો સમાવેશ ભારતમાં થર્મલ પાવર ટેન્ડરમાં ગ્રીનશૂ વિકલ્પને અપનાવવાનો આ પ્રથમ નૂતન અભિગમ છે. જેનાથી મધ્યપ્રદેશને વધતા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે તેની સતત વધતી જતી વીજળી માંગને પહોંચી વળવામાં મદદ મળવા ઉપરાંત રાજ્યની ઉર્જા સુરક્ષામાં વધારો કરશે.
અદાણી પાવરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી એસ.બી. ખ્યાલિયાએ આ વિષે ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે અદાણી પાવરે મધ્યપ્રદેશમાં માત્ર પ્રારંભિક ૮૦૦ મેગાવોટ ક્ષમતાનો પ્રકલ્પ જ સુરક્ષિત નથી કર્યો પરંતુ ગ્રીનશૂ વિકલ્પ હેઠળ વધારાની 800 મેગાવોટ ક્ષમતા પણ હાંસલ કરી મધ્યપ્રદેશ રાજ્યના લોકોને વિશ્વસનીય, સસ્તી અને ટકાઉ વીજળી પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. આ પ્રકલ્પ મધ્યપ્રદેશ સાથેની લાંબા ગાળાની અમારી હિસ્સેદારીને વધુ દ્રઢ બનાવીને ભારતની ઉર્જા સુરક્ષા અને આર્થિક વિકાસને ટેકો આપવા માટેના અમારા સમર્પણને પ્રદર્શિત કરે છે.
ભારત સરકારની પાવર પોલિસી હેઠળ પાવર પ્લાન્ટ માટે કોલ લિન્કેજની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રકલ્પના નિર્માણના વિવિધ તબક્કાઓ દરમિયાન નવથી ૧૦ હજાર રોજગારીની તકો ઉપલબ્ધ થશે અને પ્રકલ્પ કાર્યરત થયા બાદ બે હજાર લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉત્પન્ન કરશે તેવી આશા છે. આ વિષે રાજ્ય ડિસ્કોમ સાથે યોગ્ય સમયે પાવર સપ્લાય એગ્રીમેન્ટ અમલમાં મૂકવાની કંપનીની અપેક્ષા છે.
સપ્ટેમ્બર ૨૦૨૪માં અદાણી પાવરને અદાણી ગ્રીન એનર્જી સાથે મળી મહારાષ્ટ્ર રાજ્ય તરફથી ૫,૦૦૦ મેગાવોટ સૌર અને ૧,૬૦૦ મેગાવોટ થર્મલ મળી કુલ ૬,૬૦૦ મેગાવોટ વીજ પુરી પાડવા સંબંધી લેટર ઓફ એવોર્ડ મળ્યો હતો. જ્યારે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મે ૨૦૨૫માં તેને રાજ્યમાં ગ્રીનફિલ્ડ પ્લાન્ટમાંથી ૧,૬૦૦ મેગાવોટ વીજ પુરવઠો આપવા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. ગત ઓગસ્ટમાં કંપનીને રાજ્યમાં સ્થાપિત થનારા નવા પાવર પ્લાન્ટમાંથી ૨,૪૦૦ મેગાવોટ વીજળી આપવા માટે બિહાર સરકાર તરફથી લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. મધ્યપ્રદેશ સરકાર તરફથી ગયા મહિને કંપનીને ૮૦૦ મેગાવોટ ક્ષમતા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો હતો. હવે મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ દ્વારા ગ્રીનશૂ વિકલ્પનો ઉપયોગ કર્યા બાદ ફાળવવામાં આવેલી ક્ષમતા વધીને ૧,૬૦૦ મેગાવોટ થઈ છે.
ભારતની વધતી જતી બેઝ લોડ માંગને સુરક્ષિત કરવા માટે અદાણી પાવર ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના મૂડીખર્ચ કાર્યક્રમનો અમલ કરી રહી છે. તેની હાલની સંચાલન ક્ષમતા ૧૨ થર્મલ પાવર પ્લાન્ટ (TPP) થી ૧૮.૧૫ GW છે અને ૨૦૩૧-૩૨ સુધીમાં ૪૧.૮૭ GW ની કુલ ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવાનું કંપનીનું લક્ષ્ય છે.