
ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદને પગલે કરજણ નદીમાં આવ્યા ઘોડાપૂર
અમદાવાદઃ નેત્રંગ તાલુકાના ઘાણીખૂટ ગામ નજીક વહેતી કરજણ નદીના ઉપરવાસમાં ઉંમરપાડા તાલુકામાં આઠ ઇંચ સાંબેલાધાર વરસાદ વરસતા કરજણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. કરજણ નદીનો પુલ આશરે 70 થી 80 ફૂટ ઊંચાઈ ઉપર આવેલો છે .આ પુલને અડીને પાણી વહેતું હતું .જો થોડો પણ વધારે વરસાદ પડ્યો હોત તો આજે નેત્રંગ થઈને ડેડીયાપાડા , સાગબારા અને મહારાષ્ટ્રને જોડતો રસ્તો પણ બંધ કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય હોત .જ્યારે મોવીથી ડેડીયાપાડા જતો રસ્તો પણ નાળુ તૂટી જતા બંધ કરવો પડ્યો છે. આમ બે નેશનલ હાઈવેને મોટી અસર પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી .સદનસીબે વરસાદ ઓછો થઈ જતા કરજણ નદીમાં પાણી થોડું ધીમું પડ્યું હતું .
કરજણ નદી ઉપર ઘણીખૂટ ગામે આવેલ ધારીયાધોધમાં હજારો સહેલાણીઓ ધોધની મજા માણવા આવતા હતા. પરંતુ અમુક બનાવને લઈને વહીવટી તંત્રએ આ ધોધ ઉપર સહેલાણીઓ માટે સદંતર બંધ કરી દીધું હતું .આજે એજ ધોધ ઉપરથી કરજણ નદીમાં આવેલ ઘોડાપુરને લીધે વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું હતું.જ્યારે આ પાણી ઓછું થઈ જાય અને એકદમ ચોખ્ખું થઈ જાય ત્યારે ધાર્યા ધારીયાધોધનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે .પરંતુ આજે તો કરજણ નદીમાં ઘોડાપૂર ખૂબ આવ્યા હતા અને ઘણા વર્ષો બાદ તેનું આ વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું હતું. આજુબાજુના ગામડાના લોકોએ કરજણ નદીના પુલ ઉપરથી નદીમાં આવેલ પુર જોવા ઉમટી પડયા હતા.