અમદાવાદઃ હાવડા-ગાંધીધામ ટ્રેનમાં રૂ. 3 કરોડના ડ્રગ્સ એક શખ્સની ધરપકડ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટે વિવિધ એજન્સીઓએ કવાયત તેજ બનાવી છે. દરમિયાન હાવડાથી ગાંધીધામ જતી ટ્રેનમાંથી 3 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે નાર્કોટીક કન્ટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ ઝડપી લીધું હતું. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 ઉપરથી યુવાનને ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દરમિયાનમાં હાવડાથી ગાંધીધામ જતી ગરભા એક્સપ્રેસમાં એક વ્યક્તિ એમડી ડ્રગ્સ સાથે મુસાફરી કરી રહ્યો છે અને તે અમદાવાદ સ્ટેશને કોઈને આ ડ્રગ્સની ડિલિવરી આપવાનો છે તેવી બાતમી એનસીબીની ટીમને મળી હતી. જેના પગલે એનસીબી અને આરપીએફની ટીમે અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર ટ્રેન પહોંચી ત્યારે બી-2 કોચમાં 8 નંબરની સીટ પરથી પ્રવીણ નામના શંકાસ્પદ શખ્સને ઝડપી લીધો હતો. પોલીસને તેની પાસેથી 3 કરોડનું પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. એનસીબીની ટીમે પ્રવીણ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પુછપરછ કરી હતી. આ ડ્રગ્સની ડિલિવરી અમદાવાદ સ્ટેશનના સરક્યુલેટિંગ એરિયામાં ઉભા સરોજ નામના યુવકને આપવાનો હતો. આ માહિતીના આધારે આરપીએફની ટીમે સર્કયુલેટિંગ એરિયામાં જઈને સરોજની ધરપકડ કરી હતી. તેની સાથે આવેલા અબ્દુલ નામના યુવકની પણ ધરપકડ કરી છે. આ અંગે એનસીબીએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે.