Homerevoinewsઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ડ્રાઈવમાં એક સ્કૂલ સહિત અનેક સપડાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ડ્રાઈવમાં એક સ્કૂલ સહિત અનેક સપડાયા

રિવોઈ ન્યૂઝ, 20 ઓગસ્ટ, 2026 – મુંબઈમાં કમિશનર તુકારામ મુંઢે દ્વારા મોટાપાયે હાથ ધરવામાં આવેલી ફૂડ સેફ્ટી ડ્રાઈવની હકારાત્મક અસર અમદાવાદમાં પણ થઈ હોય એવું લાગે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસમાં આ દિશમાં મોટાપાયે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

કોર્પોરેશનના આ ફૂડ સલામતી અભિયાનમાં શહેરની એક કથિત પ્રતિષ્ઠિત કોન્વેન્ટ સ્કૂલ, એક જાણીતા ખમણ હાઉસ સહિત અનેક એકમો ઝપટમાં આવ્યા છે.

કોર્પોરેશને તેના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ ઉપર આપેલી માહિતી અનુસાર તેલની TPC મર્યાદા ભંગ બદલ ઇસનપુરના જલારામ ખમણ હાઉસ સામે AMCની સીલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

અમદાવાદના ઇસનપુરની શ્રી જય જલારામ ખમણ હાઉસ ખાતે કુકિંગ ઓઈલની Total Polar Compounds (TPC) ચકાસણી દરમિયાન TPC 39.5%નોંધાયું, જ્યારે FSSAI મુજબ મહત્તમ માન્ય મર્યાદા 25% છે.

કોર્પોરેશનની સૌથી મહત્ત્વની અને નોંધપાત્ર કામગીરી સેંટ ઝેવિયર્સ લોયલા સ્કૂલની કેન્ટીનમાં જોવા મળી હતી. કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફ્રૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ, 2006’ હેઠળ નારણપુરા, વિજય ચાર રસ્તા પાસે આવેલા સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ કેમ્પસના કેન્ટીનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કેન્ટીન FSSAI લાયસન્સ કે રજીસ્ટ્રેશન વગર ચાલી રહી હતી. ખોરાકની સ્વચ્છતાના નિર્ધારિત નિયમોનું પણ પાલન થતું ન હોવાનું માલૂમ પડ્યું હતું, જેમાં ખોરાક બનાવનાર કર્મચારીઓ માટે કેપ, એપ્રન અને ગ્લોવ્ઝ (હાથના મોજા)નો અભાવ, ફ્રીઝરમાં ગંદકી, શાકભાજી પર ફૂગ અને એક્સપાયરી ડેટ (વપરાશની સમયસીમા) પૂરી થઈ ગઈ હોય તેવી ખાદ્યસામગ્રીનો ઉપયોગ સામેલ છે.

ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના આ ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખીને કેન્ટીનને સીલ કરવામાં આવી હતી. AMC દ્વારા સમગ્ર અમદાવાદમાં શાળાના કેન્ટીનોની તપાસ ચાલુ રાખવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરતી સંસ્થાઓ સામે FSSA અને GPMC એક્ટની લાગુ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

ચાઇનીઝ મુગલાઇ એન્ડ તવા ફ્રાય સામે કાર્યવાહી

સરખેજ ખાતે સબરૂ ચાઇનીઝ મુગલાઇ એન્ડ તવા ફ્રાય સામે AMCના ફૂડ વિભાગની કડક કાર્યવાહી. તપાસ દરમિયાન ભારે ગંદકી, FSSAI Schedule-4ની શરતોનું પાલન ન થવું, કર્મચારીઓ દ્વારા કેપ, એપ્રન અને ગ્લોવ્ઝનો ઉપયોગ ન કરવો તેમજ જરૂરી મેડિકલ, પેસ્ટ કંટ્રોલ અને પાણીના રિપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાતા એકમને સીલ કરવામાં આવ્યું.

કુબેરનગર ખાતે રાજેશ દૂધ ઘર અને રખિયાલ રોડ ખાતે ભૈરવનાથ ભોજનાલયમાંથી અગાઉ લેવામાં આવેલા પનીરના નમૂનાઓ અપ્રમાણિત જાહેર થતાં બંને એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી.

કાંકરિયા, મણિનગર ખાતે Mad Over Grills રેસ્ટોરન્ટ સામે AMCના ફૂડ વિભાગની કડક કાર્યવાહી. તપાસ દરમિયાન સ્ટોર રૂમમાં સંગ્રહિત મેંદામાં જીવતી જીવાત મળી આવતા એકમને સીલ કરવામાં આવ્યું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular