
અમદાવાદઃ રથયાત્રા પૂર્વે પોલીસે હથિયારોનો જથ્થો ઝડપી લીધો, આરોપીની ધરપકડ
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે. જેથી પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદ પોલીસે હથિયારો અને કારતુસનો ઝડપી લીધો હતો. તેમજ હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે એક શખ્સને ઝડપી લીધો હતો. તેમજ તેની પાસેથી ચાર પિસ્તોલ અને એક તમંચો મળીને પાંચ હથિયાર અને 500થી વધારે જીવતા કારતુસ જપ્ત કરવામાં આવ્યાં હતા. ક્રાઈમબ્રાન્ચે હથિયારો સાથે ઝડપી લીધેલા શખ્સની પૂછપરછ આરંભી છે. હથિયારો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ શરૂ કરી છે. ક્રાઈમબ્રાન્ચની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ક્રાઈમબ્રાન્ચે આરોપીના અન્ય સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને આરોપીની ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. તેમજ આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. અમદાવાદમાં આઈપીએલની ફાઈનલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ શંકાસ્પદ લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે.