અમદાવાદ, 3 ફેબ્રુઆરી 2026: રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં હવામાં પ્રદૂષણના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહાનગરોની વસતી વધતા વાહનોની સંખ્યા પણ વધી છે. તેમજ નવા બિલ્ડિંગો બની રહ્યા છે. શહેરની આજુબાજુના વિસ્તારોમાં ધમધમી રહેતા ઉદ્યોગો પણ પ્રદૂષણમાં વધારો કરી રહ્યા છે.તાજેતરમાં નોંધાયેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના આંકડાઓ ચાર મહાનગરોમાં હવા સ્વચ્છતા માપદંડથી ઘણી નીચે પહોંચી ગઈ છે, અને સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જે સામાન્ય જનતા માટે ચિંતાજનક સ્થિતિ સર્જે છે.
અમદાવાદ શહેરમાં AQI 186 નોંધાયો છે, જે ‘મધ્યમથી ખરાબ’ શ્રેણીમાં આવે છે. આ સ્તરની હવા લાંબા સમય સુધી શ્વાસમાં લેતાં શ્વાસનળી સંબંધિત તકલીફો, આંખોમાં બળતરા અને એલર્જી જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શ્વાસના રોગોથી પીડાતા લોકો માટે આ પરિસ્થિતિ જોખમરૂપ બની શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રદૂષણના સ્થાનિક સ્ત્રોતોને ઓળખી સૌથી વધારે હવા પ્રદુષણ ફેલાતાં કુલ 9 હોટસ્પોટ વિસ્તારો ઓળખી કાઢવામાં આવ્યા છે. જેમાં શહેરના પિરાણા, રખિયાલ, રાયખડ, બોપલ, વટવા, એસ.પી.સ્ટેડિયમ, ચાંદખેડા, મણિનગરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સુરત શહેરમાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી છે, જ્યાં AQI 225 નોંધાયો છે. આ આંકડો સ્પષ્ટ રીતે ‘ખરાબ’ શ્રેણીમાં આવે છે. નિષ્ણાતો મુજબ, આ સ્તરની હવા સ્વસ્થ વ્યક્તિઓ માટે પણ અસ્વસ્થતા પેદા કરી શકે છે, જ્યારે અસ્થમા અને હૃદયરોગના દર્દીઓ માટે ગંભીર અસર થવાની શક્યતા રહે છે. ઉદ્યોગો, વાહન વ્યવહાર અને બાંધકામ પ્રવૃત્તિઓને હવાના પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં AQI 156 નોંધાયો છે. જો કે આ આંકડો અન્ય શહેરોની સરખામણીમાં થોડો ઓછો છે, તેમ છતાં તે પણ ‘મધ્યમ’ શ્રેણીમાં આવે છે. સતત વધી રહેલા વાહનોની સંખ્યા અને ધૂળકણના કારણે રાજકોટમાં પણ હવાની ગુણવત્તા પર અસર પડી રહી છે.
વડોદરા શહેરમાં AQI 181 નોંધાયો છે, જે ફરી એકવાર હવાના પ્રદૂષણ તરફ ઈશારો કરે છે. નિષ્ણાતો જણાવે છે કે શહેરમાં ટ્રાફિક, ઉદ્યોગો અને ઋતુગત પરિબળો હવાની ગુણવત્તા બગાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પર્યાવરણ નિષ્ણાતો અને આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે બહાર ફરવાનું ટાળવું, માસ્કનો ઉપયોગ કરવો અને શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર રહેવું એવી સલાહ આપવામાં આવી છે. સાથે જ સરકાર અને સ્થાનિક તંત્રને પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં લેવાની જરૂર હોવાનું પણ નિષ્ણાતો જણાવી રહ્યા છે.

