
ડીવાય ચંદ્રચુડ CJI બન્યા પછી SCની અદભૂત ગતિ,29 દિવસમાં 6,844 કેસનો નિકાલ કર્યો
દિલ્હી:ડીવાય ચંદ્રચુડે 9 નવેમ્બરે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.આ પછી સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 6,844 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.તેમણે કાર્યભાર સંભાળ્યા બાદ જ સુનાવણી ઝડપી કરવાનો મેસેજ આપ્યો હતો.CJIએ પોતે આનો હવાલો સંભાળ્યો હતો અને બાકીની બેન્ચોની સુનાવણી ટૂંક સમયમાં કરવાની વાત કરી હતી.તેની અસર એક મહિનામાં જ જોવા મળી હતી.
તેમણે કહ્યું હતું કે,કેસોની સુનાવણીમાં જામીન અને ટ્રાન્સફરની અરજીઓને પ્રાથમિકતા આપવામાં આવશે અને સુપ્રીમ કોર્ટની દરેક બેંચ દરરોજ 10 જામીન અને 10 ટ્રાન્સફર મામલાની સુનાવણી કરશે.આમાં ખાસ વાત એ છે કે,આ સમયગાળા દરમિયાન કુલ 5898 નવા કેસ દાખલ કરવામાં આવ્યા છે,અને પતાવટ થયેલા કેસોની સંખ્યા વધુ છે. CJI ચંદ્રચુડે ઘણી વખત કોર્ટમાં પેન્ડિંગ કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું હતું કે,સુપ્રીમ કોર્ટમાં દરરોજ કેસની સુનાવણી માટે 13 બેન્ચ બેસે છે, જો દરેક બેન્ચ દરરોજ 10 કેસનો નિકાલ કરે તો એક દિવસમાં 130 કેસનો નિકાલ થઈ જશે.
સુપ્રીમ કોર્ટમાં શિયાળાનું વેકેશન છે.સુપ્રીમ કોર્ટ પ્રશાસને સોમવારે આ આંકડા જાહેર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે,29 કામકાજના દિવસોમાં નિકાલ કરાયેલા કુલ 6,844 કેસમાંથી 2,511 કેસ જામીન અને ટ્રાન્સફર પિટિશન સંબંધિત હતા, જેમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને પારિવારિક વિવાદના કેસો સામેલ હતા.9 નવેમ્બરથી 16 ડિસેમ્બર વચ્ચે 10 દિવસ એવા હતા જ્યારે સુપ્રીમ કોર્ટે 300 થી વધુ કેસોનો નિર્ણય કર્યો હતો.