Site icon Revoi.in

અંબાજીઃ ભાદરવી પૂનમ માટે 5500 વધારાની બસો દોડાવાશે

Social Share

ગાંધીનગરઃ અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓને સલામત અને સુવિધાજનક પ્રવાસનો અનુભવ મળે તે માટે આ વર્ષે કુલ 5500 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગત વર્ષે ભાદરવી પૂનમના મેળામાં એસ.ટી. નિગમે 5100 વધારાની બસો દ્વારા 10.92 લાખ યાત્રાળુઓને સેવા પૂરી પાડી હતી. આ વર્ષે યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર 2025થી 7 સપ્ટેમ્બર 2025 સુધી આ વિશેષ બસોનું સંચાલન થશે.

આ બસો મુખ્યત્વે અંબાજીથી ગબ્બર, દાંતા, પાલનપુર, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા રૂટ્સ પર દોડશે, જેથી રાજ્યભરમાંથી આવતા યાત્રાળુઓ સરળતાથી અંબાજી પહોંચી શકે. આ ઉપરાંત નજીકના મુખ્ય સ્થળોથી અંબાજી આવવા સ્પેશિયલ મિની બસોની વ્યવસ્થા પણ કરાઇ છે. ગબ્બરથી અંબાજી RTO માટે 20 બસો, અંબાજીથી દાંતા માટે 15 બસો, દાંતાથી પાલનપુર માટે 20 બસો દોડાવવામાં આવશે.

એસ.ટી. નિગમ દ્વારા યાત્રાળુઓની સુરક્ષા અને સગવડ માટે 24×7 GPS મોનિટરિંગ, પેસેન્જર શેડ, લાઈન/ક્યુ, જાહેર શૌચાલય અને પીવાના પાણીની સુવિધા જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર વ્યવસ્થાનું સુચારુ સંચાલન કરવા માટે 4000 કર્મચારીઓની ટીમ ખડેપગે રહેશે.

ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે ટ્રસ્ટે યાત્રાળુઓ માટે રૂપિયા 10 કરોડનો વીમો લીધો છે. જે ગત વર્ષના વીમા કવરેજ કરતાં ત્રણ ગણો વધુ છે. આ વીમા અંતર્ગત કોઈ પણ શ્રદ્ધાળુનો માર્ગ અકસ્માત થાય અથવા દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમને આર્થિક સહાય મળી રહેશે.

આ વીમાની સૌથી મોટી વિશેષતા એ છે કે શક્તિપીઠ અંબાજીના 50 કિલોમીટરના વિસ્તારમાં થતા અકસ્માતોને આવરી લેવામાં આવ્યા છે. આ કવરેજમાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીકના 7 જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેથી દૂર-દૂરથી આવતા ભક્તોને પણ સુરક્ષા પૂરી પાડી શકાય.