1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંબાજીઃ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ
અંબાજીઃ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ

અંબાજીઃ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ

0
Social Share

અમદાવાદઃ રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે પાલનપુર કલેકટર કચેરી ખાતેથી આજ રોજ પાંચ “શક્તિરથો”નું મા અંબાના જયઘોષ સાથે મા અંબાની ધ્વજપતાકા ફરકાવી ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું અને માઈભક્તોને આ અવસરનો લાભ લેવા અપીલ કરી હતી. આ રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના ગામમાં પરિભ્રમણ કરશે અને માઈ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવશે.

શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં બિરાજમાન 51 શક્તિપીઠના એક સાથે દર્શનનો લ્હાવો લેવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પાંચ શક્તિરથ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના   જિલ્લાઓમાં ફરશે અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરશે. પરિક્રમા મહોત્સવના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલ શક્તિરથ જે પણ ગામમાં પ્રવેશ કરશે એ ગામના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રાસંઘો દ્વારા રથનું ભવ્ય સ્વાગત અને સામૈયું કરવામાં આવશે. તેમજ રથની શોભાયાત્રા અને આરતી જેવા ધાર્મિક પ્રસંગો દ્વારા દરેક માઇભક્તોને પરિક્રમા મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવશે. 

આ પ્રસંગે કલેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું કે, આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ યોજાઈ રહ્યો છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા પરિક્રમા પથ પર ભાવિક ભક્તો માટે સેવા, સુરક્ષા, મેડિકલ, સફાઈ માટેની સગવડો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓ અને  મા અંબાની ભવ્ય આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી યાત્રા અને જાત્રાના અમૂલ્ય અવસરનો લ્હાવો લેવા ભાવિક ભક્તોને અપીલ કરી હતી.  રથના પ્રસ્થાન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, અંબાજી મંદિર વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી શક્તિરથને પ્રસ્થાન કરાવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code