Site icon Revoi.in

અમદાવાદના ખોખરામાં આંબેડકરની મૂર્તિ ખંડિત થતાં વિરોધ, સ્થાનિક રહિશો ઘરણાં પર બેઠા

Social Share

અમદાવાદઃ શહેરના ખોખાર વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની નજીક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનો બનાવ બનતા દલિત સમાજમાં આક્રોશ ઊભો થયો છે. કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવ્યું છે. આ બનાવની જાણ થતાં લોકોના ટોળાં ભેગા થયા હતા. દરમિયાન આ બમનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો દેડી આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે આ બનાવમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં ડો.બાબાસાહેબ આંબેડકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદન લઈને ચાલતા વિવાદ વચ્ચે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થતાં દલીત સમાજમાં આક્રોશ ઊભો થયો છે. ખોખરા વિસ્તારમાં કે.કા શાસ્ત્રી કોલેજની સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાના નાકને અસામાજિક તત્ત્વોએ તોડી નાખતાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યા હતા. વહેલી સવારે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

આ ઘટના બનતા ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણાં પર બેસી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અમરાઇવાડીના કોંગ્રેસના કોર્પોરેટરે પણ ઘટનાસ્થળે પહોંચીને આવાં અસામાજિક તત્ત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવા માગ કરી છે. દરમિયાન સ્થાનિકો કહી રહ્યા છે કે, જ્યાં સુધી બાબાસાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનારા આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી રસ્તા પરથી નહીં હટીએ. સાથે જે પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તે પ્રતિમા ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે. હાલ તો ડો. બાબાસાહેબ આંબેડકરની ખંડિત પ્રતિમાને કપડાથી ઢાંકી દેવામાં આવી છે. આ બનાવ અંગે એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે આ મામલે ખોખરા પોલીસે ફરિયાદ નોંધી છે અને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

સ્થાનિક રહિશોના કહેવા મુજબ  શહેરના ખોખરા વિસ્તારમાં કે.કા.શાસ્ત્રી કોલેજની સામેના ભાગે જયંતી વકીલની ચાલી આવેલી છે. ચાલીના બહારના ભાગે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે. આજે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે આંબેડકરની પ્રતિમાના નાકને તોડી નુકસાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ વાત વાયુવેગે ફેલાતા સ્થાનિકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાવતરું રચી નુકસાન કર્યું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે ખોખરા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

Exit mobile version