અમદાવાદ, 17 જુન, 2026 : AMC seals 6 hotels for not following fire safety rules શહેરમાં થલતેજ, બોડકદેવ સહિતના વિસ્તારમાં આવેલી 6 જેટલી હોટલના સંચાલકોએ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતા મ્યુનિના ફાયરબ્રિગેડ વિભાગે કડક વલણ અપનાવીને 6 હોટલોને સીલ મારી દીધા છે. ફાયર વિભાગે અગાઉ 6 હોટલોના સંચાલકોને ફાયરના નિયમોનું યોગ્યરીતે પાલન કરવા નોટિસ આપી હતી. અને 7 દિવસની મહેતલ આપવામાં આવી હતી. છતાં પણ હોટલના સંચાલકોએ ફાયર સેફ્ટીનું યોગ્ય પાલન ન કરતા ફાયર બ્રિગેડ વિભાગે હોટલોને સીલ કરી દીધી છે. ફાયર બ્રિગેડ વિભાગના આકરા વલણને લીધે હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
દિલ્હીમાં તાજેતરમાં એક હોટલમાં આગ લાગતા 20થી વધુના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ સક્રિય બન્યુ છે. દિલ્હી જેવી ઘટના ન બને તે માટે શહેરની તમામ હોટલોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને બિલ્ડીંગોમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ફાયરના નિયમોનું પાલન ન થતા નોટિસ આપવામાં આવી હતી. 7 દિવસમાં ફાયરના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવા અંગેની નોટિસની સમય મર્યાદા પૂર્ણ થઈ જતા ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવની 6 હોટલોને સીલ કરવામાં આવી છે.
અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર એસ. બી. જાડેજાએ જણાવ્યું હતું કે, અલગ અલગ હોટલોમાં ફાયર સિસ્ટમમાં ખામીથી લઈને બિલ્ડીંગમાં રહેલી ખામીઓ અંગે નોટિસ આપવામાં આવી હતી. 7 દિવસની સમય મર્યાદા સાથેની નોટિસ આપવામાં આવી હતી, જેમાં ખામીઓ દૂર કરવા અંગે જણાવ્યું હતું. જોકે કેટલીક હોટેલો દ્વારા નોટિસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા થલતેજ, બોડકદેવ વિસ્તારની 6 જેટલી હોટેલોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

