Site icon Revoi.in

અમદાવાદમાં કન્સ્ટ્રકશન વેસ્ટ જાહેરમાં નાખતા ચાર વાહનોને AMCએ કર્યા જપ્ત

Social Share

અમદાવાદ, 19 ફેબ્રુઆરી 2026: શહેરમાં લોકો પોતાના ઘરની મરામત કરાવતા હોય કે અન્ય રિનોવેશન થતા બિલ્ડિંગનો કન્સ્ટ્રકશન વેસ્ટ લઈ જનારા કોન્ટ્રાકટરો જાહેરમાં કે ગમે ત્યાં ખૂલી જગ્યામાં વેસ્ટ ફેંકી દેતા હોય છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જ કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખવા માટે દરેક વિસ્તારમાં જગ્યા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત મ્યુનિ. દ્વારા પણ કન્સ્ટ્રકશન વેસ્ટ લઈ જવાની જાહેરાત કરવામાં આવી છે. આમ છતાં કચરો ઉઠાવનારા કેટલાક કોન્ટ્રાકટરો કન્સ્ટ્રકશન વેસ્ટ ગમે ત્યાં ફેંકી દેતા હોય છે. આથી મ્યુનિસિપલ દ્વારા ગમે ત્યાં કન્સ્ટ્રકશન વેસ્ટ ફેંકનારા ચાર વાહનોને જપ્ત કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં હવા પ્રદુષણ વધી રહ્યું છે અને જાહેર રોડ ઉપર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખતા હોય છે. જેના કારણે ગંદકી ફેલાય છે. પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના નારણપુરા, ચાંદખેડા, રાણીપ સહિતના વિસ્તારોમાંથી જાહેર રોડ પર કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખનાર ચાર જેટલા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે.

શહેરમાં વધતા જતા હવા પ્રદુષણને રોકવા માટે ગુડ કન્સ્ટ્રક્શન પોલિસીનો અમલ કરાવવા માટે મ્યુનિ.કમિશનરે સુચના આપી છે. ડિમોલિશન માટેની ચોક્કસ પોલિસીનો અભાવ છે. જ્યાં બાંધકામ તોડવામાં આવતું હોય ત્યાં પણ ગ્રીન નેટ તેમજ સેન્સર લગાવવા સહિતની બાબતોમાં પણ ચોક્કસ નીતિ તૈયાર કરવા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં મીશન મીલીયન ટ્રી હેઠળ લાખો વૃક્ષો વાવવામાં આવે છે પરંતુ, તે માત્ર ચોક્કસ જગ્યામાં કે શહેરના છેવાડાના વિસ્તારોમાં ખાલી જગ્યાઓમાં લાગી રહ્યા છે. પરંતુ, તેનો લાભ કોટ વિસ્તારમાં મળતો નથી.

Exit mobile version