
- AMC દ્વારા 25000થી રૂપિયા એક લાખનો દંડ કરાશે,
- વેસ્ટ નાંખનારા સામે કાર્યવાહી કરવા ખાસ સ્વોર્ડની રચના,
- મ્યુનિના 26 પ્લોટ્સમાં નાગરિકો સ્વખર્ચે વેસ્ટ નાંખી શકશે
અમદાવાદઃ દિવાળીના તહેવારોને દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ઘણા લોકો પોતાના ઘરનું રિનોવેશન કરાવતા હોય છે. રિનોવેશન દરમિયાન નીકળેલો કન્સ્ટ્રક્શન વેસ્ટ, માટી, પુરાણ અને કચરો (ડેબ્રિજ) લોકો ખૂલ્લી જગ્યાઓમાં ગમે ત્યાં ફેકતા હોય છે. આથી જાહેર રસ્તાઓ પર કે ખૂલ્લી જગ્યાઓ પર કન્સ્ટ્રક્શન વેસ્ટ, માટી, પુરાણ અને કચરો (ડેબ્રિજ) ફેંકનારા લાકો સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રૂપિયા 25 હજારથી એક લાખ સુધીનો દંડ કરાશે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં નાગરિકો પોતાના મકાનનું રિનોવેશન, રિપેરિંગ કે નવું બાંધકામ કરતા હોય છે. જેમાં ઉત્પન્ન થતો કન્સ્ટ્રક્શન વેસ્ટ, માટી, પુરાણ અને કચરો (ડેબ્રિજ) હવે રોડ ઉપર નાખી શકાશે નહીં. રોડ પર કોઈપણ જગ્યાએ જો આ રીતે કન્સ્ટ્રક્શનનો વેસ્ટ પડ્યો હશે તો જે-તે જવાબદાર નાગરિકને દંડ કરવામાં આવશે. સરકારી વિભાગો અને AMC દ્વારા પણ ચાલતા પ્રોજેક્ટમાં એજન્સીઓ પણ કન્સ્ટ્રકશન વેસ્ટ કે કચરો બહાર નાખી શકશે નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા સીએનડી(કન્સ્ટ્રકશન એન્ડ ડેબ્રિજ) વેસ્ટ નાખનારા લોકો સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવામાં આવશે. જો રોડ પર કન્સ્ટ્રક્શન વેસ્ટ મળશે તો રૂ. 25000થી 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં વિવિધ જગ્યાએ લોકો દ્વારા પોતાના મકાનનું રિનોવેશન અથવા નવું બાંધકામ કરવામાં આવતું હોય છે. જેનો કન્સ્ટ્રક્શન વેસ્ટમાંથી તૂટેલા ઈંટ અને પથ્થરો વગેરે ખુલ્લા પ્લોટ અથવા રોડ ઉપર ગમે ત્યાં નાખી દેવામાં આવતો હોય છે. એએમસી દ્વારા નિયત કરેલા વિવિધ 26 જેટલા નક્કી કરેલા પ્લોટમાં નાગરિકો સ્વખર્ચે કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખી શકે છે. જો નાગરિકો પોતાના બાંધકામ દરમિયાન ઉત્પન્ન થયેલો કન્સ્ટ્રકશન વેસ્ટ જેમ કે, ઈંટો, પથ્થરો સહિત અલગ અલગ કચરો જાતે નાખી ન શકે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયત કરેલો ચાર્જ ચૂકવી કન્સ્ટ્રક્શન વેસ્ટનો નિકાલ કરાવી શકે છે. જે માટે નિયત ચાર્જમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકો દ્વારા રિનોવેશનથી લઈ નવા બાંધકામ દરમિયાન ઉત્પન્ન થતા કચરાના નિકાલ કરવા માટે 155303 ઉપર ફોન કરીને ફરિયાદ નોંધાવે તો એએમસી દ્વારા હાલમાં નિયત કરેલો ચાર્જ ચૂકવી નિકાલ કરાવી શકે છે. આ ચાર્જમાં હવે બેથી ત્રણ ગણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક મેટ્રિક ટનથી ઓછો હોય અને તેનાથી વધારે હોય તો પ્રતિ ટ્રીપ અને મેટ્રિક ટન દીઠ ચાર્જ લેવામાં આવે છે.