કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લીન એર તરફ AMCનો અભિગમ
અમદાવાદ 2, ફેબ્રુઆરી 2026 : Commonwealth Games 2030 ભારતમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે હવા પ્રદૂષણ એક મહત્વપૂર્ણ શહેરી પડકાર બની રહ્યો છે. આવા સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એર ક્વોલિટી મેનેજમેન્ટમાં સુનિયોજિત, ડેટા આધારિત અને અમલકેન્દ્રિત અભિગમ અપનાવીને એક સકારાત્મક અને મજબૂત મોડલ રજૂ કર્યું છે.
શહેરના વિકાસ સાથે સ્વચ્છ હવા અને સ્વસ્થ જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સધન અને સતત કામગીરી હાથ ધરવામાં આવી છે. 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને પણ અમદાવાદ શહેરે સ્વચ્છ હવા અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ માટે વ્યાપક તૈયારીઓ પણ શરૂ કરી છે. વૈશ્વિક કક્ષાની રમતોત્સવ ઇવેન્ટ માટે આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ પર્યાવરણ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવું એ શહેરનું પ્રાથમિક લક્ષ્ય છે.

પ્રદૂષણના સ્થાનિક સ્ત્રોતો
શહેરમાં પ્રદૂષણના સ્થાનિક સ્ત્રોતોને વૈજ્ઞાનિક રીતે ઓળખી કુલ નવ હોટસ્પોટ વિસ્તારો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં પિરાણા, રખિયાલ, રાયખડ, બોપલ, વટવા, એસ.પી.સ્ટેડિયમ, ચાંદખેડા, મણિનગર અને વિવિધ 16 C&D વેસ્ટ કલેક્શન સેન્ટરોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં વિશેષ મોનિટરિંગ સાથે ટાર્ગેટેડ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે, જેના કારણે પ્રદૂષણ નિયંત્રણ વધુ અસરકારક બન્યું છે. એટલું જ નહીં આ બધી જગ્યા ઉપર એર ક્વોલીટી સુધારવા માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
નેશનલ ક્લીન એર પ્રોગ્રામ
નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) અને 15મા નાણાપંચ હેઠળ મળેલી ગ્રાન્ટના સદુપયોગથી શહેરમાં 16 ટ્રક-માઉન્ટેડ મીસ્ટ મશીનો કાર્યરત છે. તેમાંથી 6 મીસ્ટ મશીનો પિરાણા ડમ્પસાઇટ અને આસપાસના વિસ્તારોમાં સતત કાર્યરત છે, જ્યારે 10 મીસ્ટ મશીનો પ્રદૂષિત માર્ગોના રુટ નિશ્ચિત કરી નિયમિત રીતે મિસ્ટિંગ કામગીરી કરે છે. આ ઉપરાંત પીએમ મિટિંગેશન માટે કુલ 62 મિકેનિકલ રોડ સ્વીપર મશીનો કાર્યરત છે.
બાંધકામ ક્ષેત્રમાંથી થતા પ્રદૂષણને નિયંત્રિત કરવા “Good Construction Practices Policy” અમલમાં મૂકાઈ છે. જેમાં 20,000 ચોરસ મીટરથી વધુ બિલ્ટ-અપ એરિયા ધરાવતી સાઇટ્સ પર ડસ્ટ સેન્સર, એર ક્વોલિટી ડિસ્પ્લે અને CCTV ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મિસ્ટ મશીનનો ઉપયોગ કરવો તથા ખોદકામ દરમિયાન નીકળતી માટીને અથવા રેતી સંપૂર્ણ રીતે હાંકવી, સાઇટની આજુબાજુ બેરીકેટ અને ગ્રીટનેટની વ્યવસ્થા કરવી, સાઇટની અંદર આવવા જતા માર્ગોને યોગ્ય રીતે પેવ કરવા અને એન્ટ્રી એક્ઝિટ પર ટાયર વોશર સિસ્ટમ લગાવવાની રહેશે.

ડસ્ટ સેન્સર
આ પોલિસી અંતર્ગત અત્યાર સુધીમાં આશરે 140 કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ડસ્ટ સેન્સર લગાવવામાં આવ્યા છે અને નિયમિત મોનિટરિંગ કરીને આવવામાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું કરવામાં આવે છે. એટલું જ નહીં વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન નેટ લગાવવાનું પ્રમાણ પણ વધ્યું છે જેથી પેનલ્ટી કલેક્શન લઘુતમ થયું છે. આ પોલીસી અંતર્ગત 2024-25 દરમિયાન વિવિધ કન્સ્ટ્રકશન સાઇટ પરથી રૂ. 1.71 કરોડ અને 2025-26માં આજદિન સુધી રૂ. 1.16 કરોડની પેનલ્ટી વસુલ કરવામાં આવી છે.
C&D વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે 25 C&D કલેક્શન સેન્ટરો વિકસાવવામાં આવ્યા છે અને ગ્યાસપુર ખાતે 1000 TPD ક્ષમતાવાળો પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત છે. ડિસેમ્બર 2026 સુધીમાં વધુ 1000 TPD ક્ષમતાવાળો બીજો પ્લાન્ટ કાર્યરત થશે. આથી બાંધકામ કચરાના વૈજ્ઞાનિક નિકાલથી હવામાં ઉડતા ધૂળકણોમાં વધુ ઘટાડો થશે.
અમદાવાદમાં જાહેર પરિવહન ક્ષેત્રે શહેરે ગ્રીન મોડલ અપનાવ્યો છે. AMTS અને BRTS મળી કુલ 1250 બસો ક્લીન ફ્યુઅલ પર કાર્યરત છે—જેમાં 1052 CNG અને 207 ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થાય છે. શહેરમાં 128 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત છે અને સોલાર પાવર્ડ ચાર્જિંગ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ પહેલો વાહન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
પર્યાવરણ સંતુલન માટે શહેરમાં 303 ગાર્ડન્સ અને 118 અર્બન ફોરેસ્ટ વિકસાવવામાં આવ્યા છે. શહેરનું ગ્રીન કવર આશરે 12.5 ટકા સુધી પહોંચ્યું છે. “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ 2024-25માં 40 લાખથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જે લાંબા ગાળે હવા શુદ્ધિકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.


