અમદાવાદ, 1 જુલાઈ 2026 : Years-old trees cut down in Navrangpura શહેરમાં જાહેર રસ્તાઓ પરના લીલાછમ વૃક્ષો છડેચોક કપાતા હોવા છતાંયે મ્યુનિના ગાર્ડન વિભાગને જાણ થતી નથી. હાલ ટ્રીમિંગના નામે પણ વૃક્ષો કપાય રહ્યા છે. સ્થાનિક લોકો વિરોધ કરે તો મ્યુનિના માણસો હોવાનું કહેવામાં આવે છે. ત્યારે શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા શ્રીમાળી સોની છાત્રાલયના પ્લોટમાં, એચ.એલ. કોમર્સ કોલેજ રોડ, સેંટ ઝેવિયર્સ કોલેજ કોર્નર, બેન્ક ઓફ બરોડાની સામે, મધુરીકા હૉલની બાજુમાં મોટા અને ઘટાદાર વૃક્ષો ગેરકાયદે કાપવામાં આવ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એએમસીના ગાર્ડન વિભાગને જાણ થઈ હતી અને ત્યારબાદ ગાર્ડન વિભાગ દ્વારા વાહનો અને ઝાડ જપ્ત કરી ઝાડ કાપનારને મોટો દંડ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.
અમદાવાદ શહેરમાં ક્રોક્રિટના જંગલની જેમ બિલ્ડિંગો વધતા વૃક્ષોમાં ઘટાડો થતો જાય છે. શહેરના ગ્રીન કવરમાં પણ ઘટાડો થયો છે. શહેરમાં રોડ પરના વર્ષો જુના વૃક્ષો પણ વિકાસના બહાને કે નડતરરૂપ હોવાના બહાને કપાઈ રહ્યા છે. શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષારોપણ કરીને વધુમાં વધુ વૃક્ષો લોકો વાવે તેના માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો બીજી તરફ 70 થી 100 વર્ષ જુના ઘટાદાર વૃક્ષોને કાપીને તેનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. નવરંગપુરા વિસ્તારમાં વૃક્ષો મોટા પ્રમાણમાં કાપવામાં આવ્યા હોવા અંગેના ફોટા વીડિયો વાઇરલ થયા બાદ AMC ગાર્ડન વિભાગ ભર નિંદરમાંથી જાગ્યુ છે. શહેરમાં વૃક્ષો કપાય છે તેને લઈને ગાર્ડન વિભાગના એક પણ અધિકારીઓ કે ગાર્ડન ઇન્સ્પેક્ટરને જાણ હોતી નથી અને મૂકપ્રેક્ષક બની રહેતા હોય છે ત્યારે AMC ગાર્ડન વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ 100 વર્ષ જૂના લીમડો, પીપળો, સહિતના ઝાડનું નિકંદન નીકળી રહ્યું હોવાનું જોવા મળ્યું છે.

