શ્રીનગર, 19 ઓગસ્ટ 2026: ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા વચ્ચે શ્રીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિ અને અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરી (પ્રવાસ ચેતવણી) અંગે મોટા સંકેતો મળ્યા છે. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ સર્જિયો ગોરે જણાવ્યું હતું કે, અમેરિકા સમય-સમય પર પોતાની ટ્રાવેલ એડવાઈઝરીની સમીક્ષા કરતું હોય છે. હાલમાં તેઓ કોઈ મોટી જાહેરાત કરી રહ્યા નથી, પરંતુ આ ચેતવણી પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે. તેમણે જમ્મુ-કાશ્મીરને ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો.
સર્ગિયો ગોરે જણાવ્યું હતું કે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને સુરક્ષિત બનાવવા માટે પ્રશંસનીય પગલાં લીધાં છે. તેથી, અમેરિકા એ બાબતની ચકાસણી કરશે કે આ ક્ષેત્ર માટે જારી કરાયેલી પ્રવાસ ચેતવણીને ઘટાડી શકાય કે નહીં. આ ક્ષેત્રની કુદરતી સુંદરતાના વખાણ કરતા તેમણે ઉમેર્યું હતું કે, આ એક અદભુત પ્રદેશ છે અને ઘણા અમેરિકી નાગરિકો અહીંની સુંદરતા તથા તકોનો અનુભવ કરવા માટે આવવાનું પસંદ કરશે.
સર્ગિયો ગોર સાથેની બેઠક અંગે વાત કરતા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, ચર્ચા ખૂબ જ સકારાત્મક રહી હતી. બંને દેશોના સંબંધો તેમજ અમેરિકા જમ્મુ-કાશ્મીર માટે શું યોગદાન આપી શકે છે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી. જૂના મુદ્દાઓને સમયની સાથે ઉકેલવાના પ્રયાસો કરવામાં આવશે અને નવી દિલ્હી ખાતે ભારત સરકાર સાથે આ અંગેની વાતચીત આગળ વધારવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
- પાકિસ્તાનના પ્રચારને મોટો ફટકો
અમેરિકા દ્વારા જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિમાં સુધારાને સ્વીકારવા અને ટ્રાવેલ એડવાઈઝરી હળવી કરવાના સંકેતો આપવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનના પ્રચારને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન લાંબા સમયથી આ ક્ષેત્રની સ્થિતિને લઈને નકારાત્મક માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેને આ ઘટનાક્રમે સીધી રીતે નકારી કાઢ્યો છે. વૈશ્વિક સ્તરે જમ્મુ-કાશ્મીરને સુરક્ષિત અને પ્રવાસન અનુકૂળ માનવામાં આવવાથી પાકિસ્તાન કૂટનીતિક મોરચે વધુ અલગ-થલગ પડ્યું છે.


