હોર્મુઝ ખોલવા માટે કેટલાક દેશોની સંયુક્ત સેના મોકલવાની અમેરિકાની તૈયારી, ભારતનો ઈન્કાર
નવી દિલ્હી, 12 જૂન 2026: વૈશ્વિક દરિયાઈ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને સુરક્ષિત અને ખુલ્લી રાખવા માટે અમેરિકા સહિતના પશ્ચિમી દેશો દ્વારા બનાવવામાં આવી રહેલા સંયુક્ત સૈન્ય મોરચામાં જોડાવાનો ભારતે સાફ ઇનકાર કરી દીધો છે. અમેરિકા અને તેના સહયોગી દેશો તરફથી ભારત પર આ મિશનમાં સૈન્ય યોગદાન આપવા માટે ભારે દબાણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ નવી દિલ્હીએ સ્પષ્ટ કર્યું છે કે તે આ વિસ્તારમાં પોતાની સેના મોકલશે નહીં.
ભારતનું માનવું છે કે મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) ના પ્રાદેશિક તણાવનો ઉકેલ લશ્કરી બળના બદલે માત્ર શાંતિપૂર્ણ વાટાઘાટો અને કૂટનીતિ (ડિપ્લોમેસી) દ્વારા જ આવવો જોઈએ. ફ્રાન્સમાં યોજાનારી આગામી હાઈ-લેવલ બેઠક અને G7 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈરાન અને પ્રાદેશિક સુરક્ષા મુદ્દે ભારતનું આ કડક અને સ્પષ્ટ વલણ વિશ્વની સામે રાખશે. હોર્મુઝ સ્ટ્રેટની કટોકટી ઉકેલવા અને ઈરાન સાથે વાતચીતના માધ્યમો ખોલવા માટે ફ્રાન્સના ‘એવિયન-લેસ-બેન્સ’ શહેરમાં એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 16 જૂને યોજાનારી આ મહત્વની બેઠક માટે ફ્રાન્સે ઇજિપ્ત, કતાર, યુએઈ અને સાઉદી અરેબિયાને વિશેષ આમંત્રણ આપ્યું છે. આ દેશો ઉપરાંત ભારત અને અમેરિકા પણ આ મંથનમાં ભાગ લેશે. 15 થી 17 જૂન દરમિયાન યોજાનારા આ સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓના ટોચના નેતાઓ એકસાથે આવી રહ્યા છે.
-
વડાપ્રધાન મોદીનો દ્વિપક્ષીય પ્રવાસ: મેક્રોં અને ફિકો સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્રાન્સ અને સ્લોવાકિયાના બે દેશોના સત્તાવાર પ્રવાસનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં વચ્ચે પેરિસમાં દ્વિપક્ષીય વાટાઘાટો થશે, જ્યાં બંને નેતાઓ વર્કિંગ લંચ પર પણ સાથે રહેશે. પીએમ મોદી પેરિસમાં એક પ્રતિષ્ઠિત ટેકનોલોજી કોન્ફરન્સમાં પણ હાજરી આપશે. નીસ ખાતે રાષ્ટ્રપતિ મેક્રોંને મળ્યા બાદ, વડાપ્રધાન રવિવારે સ્લોવાકિયા જવા રવાના થશે, જ્યાં તેઓ ત્યાંના વડાપ્રધાન રોબર્ટ ફિકો સાથે મુલાકાત કરશે.
ફ્રાન્સની યજમાનીમાં યોજાઈ રહેલા આ G7 શિખર સંમેલનમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય-પૂર્વના તણાવ સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ભારત આ તમામ ચર્ચાઓમાં સક્રિયપણે ભાગ લેશે. નોંધનીય છે કે ફ્રાન્સમાં 7 વર્ષ બાદ આ G7 સમિટ યોજાઈ રહી છે. આ G7નું ૫૨મું શિખર સંમેલન હશે. આ અગાઉ ફ્રાન્સે 2019 માં બિયાલિટ્ઝમાં તેની યજમાની કરી હતી. જ્યારે એવિયન-લે-બેં શહેરે 23 વર્ષ પહેલા એટલે કે 2003 માં G8 સંમેલનની યજમાની કરી હતી, જે હવે ફરી એકવાર વૈશ્વિક કૂટનીતિનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
G7 એ વિશ્વની સાત સૌથી વિકસિત અને શક્તિશાળી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. જેમાં અમેરિકા, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, ઇટાલી, જાપાન અને કેનેડા સામેલ છે. યુરોપિયન યુનિયન (EU) પણ આ બેઠકોમાં કાયમી ધોરણે ભાગ લે છે. આ મંચ વિશ્વની આર્થિક, રાજકીય અને સુરક્ષા સંબંધિત મોટી કટોકટીઓ પર વ્યૂહરચના ઘડવાનું કામ કરે છે.


