નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર 2026: પાકિસ્તાન દ્વારા ભારતીય વિમાનો માટે પોતાના એરસ્પેસ (હવાઈ માર્ગ) પર લાદવામાં આવેલા લાંબા સમયના પ્રતિબંધ વચ્ચે ભારતે હવે પશ્ચિમી દેશો સુધી પહોંચવા માટે એક નવો અને વ્યૂહાત્મક રસ્તો શોધવાની દિશામાં કામગીરી ઝડપી કરી છે. ભારત અને ચીન વચ્ચે શિનજિયાંગના ‘હોતાન’ થઈને નવો એર રૂટ મેળવવા માટે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો ચાલી રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ પણ આ અંગે વાતચીત ચાલી રહી હોવાની પુષ્ટિ કરી છે. જોકે, આ નવો રૂટ ક્યારથી કાર્યરત થશે તેની ચોક્કસ સમયસીમા હજુ નક્કી કરવામાં આવી નથી.
એપ્રિલ 2025થી પાકિસ્તાને ભારતીય ફ્લાઈટ્સ માટે પોતાનું એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. આ પ્રતિબંધના કારણે દિલ્હી અને મુંબઈથી યુરોપ, બ્રિટન અને ઉત્તર અમેરિકા જતી ભારતીય એરલાઈન્સની ફ્લાઈટ્સને પાકિસ્તાનનો બાયપાસ કરીને અરેબિયન સી (અરબ સાગર) અને મસ્કત તરફથી લાંબો ચક્કર લગાવવો પડે છે. આ વૈકલ્પિક રૂટના કારણે ફ્લાઈટના સમયમાં 45 મિનિટથી લઈને 2 કલાક સુધીનો વધારો થયો છે, જેનાથી વિમાન કંપનીઓનો ઓપરેટિંગ ખર્ચ અને ઈંધણનો વપરાશ નોંધપાત્ર રીતે વધી ગયો છે.
આ વિવાદ માત્ર એકતરફી નથી. ભારતે પણ ‘ઓપરેશન સિંદૂર’ના સમયથી જ પાકિસ્તાની વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. એટલે કે બંને પાડોશી દેશોએ એકબીજાના વિમાનો પર પરસ્પર હવાઈ પ્રતિબંધો લાદેલા છે. જોકે, આ પ્રતિબંધની સૌથી વધુ અસર ભારતીય એરલાઈન્સની આંતરરાષ્ટ્રીય લાંબા અંતરની ફ્લાઈટ્સ પર પડી રહી છે. પાકિસ્તાનનું એરસ્પેસ બંધ થતાં પહેલાં દૈનિક ધોરણે લગભગ 100 થી 150 ભારતીય વિમાનો ત્યાંથી પસાર થતાં હતાં. આ રૂટ બંધ થવાથી એકલા એર ઈન્ડિયાને જ આશરે રૂ. ચાર હજાર કરોડનું મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
-
શું છે ‘લેહ-હોતાન’ એર કોરિડોરની યોજના?
પ્રસ્તાવિત યોજના મુજબ, દિલ્હી અને મુંબઈથી ઉપડતી પશ્ચિમ તરફની ફ્લાઈટ્સને ઉત્તરમાં લેહ તરફ લઈ જવામાં આવશે. ત્યાંથી વિમાનો ચીનના હોતાન (શિનજિયાંગ પ્રદેશ) થઈને ચીની એરસ્પેસમાં પ્રવેશ કરશે. ત્યારબાદ આ વિમાનો મધ્ય એશિયાના રસ્તે થઈને યુરોપ, યુકે અને નોર્થ અમેરિકા જતા વર્તમાન એર રૂટ સાથે જોડાઈ જશે. જો આ પ્રસ્તાવિત કોરિડોરને લીલી ઝંડી મળી જાય છે, તો ભારતીય એરલાઈન્સની પાકિસ્તાની એરસ્પેસ પરની નિર્ભરતા સંપૂર્ણપણે ઘટી જશે.
-
ભારત-ચીન મંત્રણા પર તમામની નજર
આ અગાઉ 2019માં બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પણ પાકિસ્તાને 5 મહિના માટે પોતાનું એરસ્પેસ બંધ કર્યું હતું, ત્યારે પણ ભારતીય એરલાઈન્સને રૂ. 550 કરોડથી વધુનું નુકસાન થયું હતું. હાલમાં ભારત અને ચીન વચ્ચે આ રૂટની ટેકનિકલ શક્યતાઓ, એરસ્પેસ પરમિશન, સુરક્ષા અને નેવિગેશન જેવા મહત્વના મુદ્દાઓ પર સહમતિ સાધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જો આ વાટાઘાટો સફળ રહેશે, તો ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે આ એક ગેમ-ચેન્જર પગલું સાબિત થશે.


