Homeગુજરાતીખોરાકઆર્ટિફિશિયલ સ્વીટનર સેકરીન શરીર માટે કેટલું સુરક્ષિત? જાણો

આર્ટિફિશિયલ સ્વીટનર સેકરીન શરીર માટે કેટલું સુરક્ષિત? જાણો

આજકાલ કેલરી અને શુગરનું પ્રમાણ ઘટાડવા માટે મોટાભાગના લોકો ખાંડના વિકલ્પ તરીકે આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરતા થયા છે. આ સ્વીટનર્સમાં સૌથી જાણીતું નામ છે ‘સેકરીન’ . સેકરીન ખાંડ કરતાં અનેક ગણું વધુ મીઠું હોવાથી તેનો ખૂબ જ અલ્પ માત્રામાં ઉપયોગ થાય છે. જેથી તે અનેક શુગર-ફ્રી પ્રોડક્ટ્સ અને ટેબલ-ટોપ સ્વીટનર્સમાં જોવા મળે છે. જોકે, લાંબા સમયથી સેકરીનના સ્વાસ્થ્ય પર થતા નુકસાન અને કેન્સરના જોખમને લઈને સવાલો ઉઠતા રહ્યા છે. વર્તમાન વૈજ્ઞાનિક સંશોધનો મુજબ જો નક્કી કરેલી મર્યાદામાં સેકરીન લેવામાં આવે તો તે સલામત માનવામાં આવે છે.

  • શું સેકરીનથી કેન્સરનું જોખમ રહેલું છે?

સેકરીનને લઈને સૌથી મોટો ભય કેન્સરને સંબંધિત હતો. ભૂતકાળમાં ઉંદર પર કરાયેલા પ્રયોગોમાં બ્લેડર ટ્યુમર (મૂત્રાશયની ગાંઠ) થવાનું સામે આવ્યું હતું, જેના લીધે વૈજ્ઞાનિકોમાં ચિંતા વધી હતી. પરંતુ, યુ.એસ. એફડીએ અનુસાર, ત્યારબાદ માનવ શરીર પર કરાયેલા 30થી વધુ અભ્યાસોમાં સાબિત થયું કે ઉંદર પર થયેલી અસર મનુષ્યો પર લાગુ પડતી નથી. આથી સેકરીનને માનવ વપરાશ માટે સુરક્ષિત જાહેર કરાયું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને JECFA કમિટી દ્વારા સેકરીન તથા તેના સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ સોલ્ટ્સ માટે દૈનિક 0 થી 5 મિલિગ્રામ પ્રતિ કિલોગ્રામ (શરીરના વજન મુજબ) ની લિમિટ નક્કી કરવામાં આવી છે. એટલે કે, 60 કિલો વજન ધરાવતી વ્યક્તિ માટે દરરોજ મહત્તમ 300 મિલિગ્રામ સેકરીન સલામત ગણાય. જોકે આ માત્ર મહત્તમ સીમા છે, રોજ આટલું પ્રમાણ લેવું જરૂરી નથી.

  • કઈ વસ્તુઓમાં થાય છે સેકરીનનો ઉપયોગ?

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)ના નિયમો હેઠળ સેકરીન અને તેના ક્ષારોને સ્વીટનર તરીકે માન્યતા આપેલી છે. ભારતમાં સોડિયમ સેકરીન અને કેલ્શિયમ સેકરીન ફૂડ-ગ્રેડ સામગ્રી તરીકે વપરાય છે.

ટેબલ-ટોપ સ્વીટનર્સ (શુગર-ફ્રી ગોળીઓ કે પાવડર)
શુગર-ફ્રી ડ્રિંક્સ અને પ્રોસેસ્ડ ફૂડ્સ
અમુક પ્રકારની મીઠાઈઓ અને પેકેજ્ડ પ્રોડક્ટ્સ

ઓળખવાની રીત: કોઈ પ્રોડક્ટમાં સેકરીન છે કે નહીં તે જાણવા માટે પેકેટ પરના ઇન્ગ્રેડિયન્ટ્સ લેબલમાં સેકરીન, સોડિયમ સેકરીન અથવા આઈએનએસ 954 લખેલું છે કે નહીં તે ખાસ ચકાસવું.

  • શું બાળકો માટે સેકરીન યોગ્ય છે?

બાળકોના કિસ્સામાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. FSSAIના લેબલિંગ નિયમો અનુસાર, સેકરીનયુક્ત સ્વીટનર્સના પેકિંગ પર ‘બાળકો માટે યોગ્ય નથી’ તેવી સ્પષ્ટ ચેતવણી આપવી ફરજિયાત છે. આથી બાળકોને આવા સ્વીટનર્સ આપતા પહેલા ડૉક્ટર કે ન્યુટ્રિશનિસ્ટની સલાહ લેવી હિતાવહ છે. કેવળ ‘શુગર-ફ્રી’ લખેલું હોવાથી કોઈ પ્રોડક્ટ સંપૂર્ણ હેલ્ધી બની જતી નથી. જો તમે ખરેખર ખાંડનું પ્રમાણ ઘટાડવા માંગતા હોવ, તો આર્ટિફિશિયલ સ્વીટનરનો ઓછો ઉપયોગ કરવાની સાથે એકંદર મીઠાઈઓ અને સોફ્ટ ડ્રિંક્સનું સેવન નિયંત્રિત કરવું જ ઉત્તમ ઉપાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular