Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં પોલીસ કમિશનર સાથે ગરબા આયોજકોની બેઠકમાં જરૂરી સુચના અપાઈ

અમદાવાદમાં પોલીસ કમિશનર સાથે ગરબા આયોજકોની બેઠકમાં જરૂરી સુચના અપાઈ

અમદાવાદ, 1 ઓક્ટોબર, 2026 : Garba organizers meet with Police Commissioner નવારાત્રી પર્વને હવે 10 દિવસ બાકી રહ્યા છે. ત્યારે દરેક સોસાયટીઓ, પાર્ટીપ્લોટ્સ અને કલબોમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના પોલીસ તંત્ર દ્વારા પણ બંદોબસ્ત અને સુરક્ષાને લઈને આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બુધવારે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતની અધ્યક્ષતામાં પોલીસ કમિશનરની કચેરી ખાતે ગરબા આયોજકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના સંયુક્ત તથા અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર, પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, SHE Teamના ઇન્ચાર્જ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગરબા આયોજકોને પોલીસ કમિશનર દ્વારા જરૂરી સુચના આપવામાં આવી હતી.

શહેરમાં પોલીસ કમિશનર કચેરી ખાતે ગરબા આયોજકોની બેઠક પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં પોલીસ કમિશનર દ્વારા ગરબા આયોજકોને નવરાત્રી મહોત્સવ માટે જરૂરી પોલીસ મંજૂરી, ફાયર સેફ્ટી, વીજળીની સુરક્ષા, CCTV, સિક્યુરિટી અને ઈમરજન્સી વ્યવસ્થા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાસ-ગરબાનું પરફોર્મન્સ લાયસન્સ મેળવવા માટે ગુજરાત સરકારના IFP પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. જેમાં અરજદારનું આધારકાર્ડ, કાર્યક્રમના સ્થળના માલિકનું સંમતિપત્ર અથવા માલિકીના પુરાવા, ફાયર વિભાગની NOC, વીજળી જોડાણ અંગેનું પ્રમાણપત્ર અથવા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની NOC અને જાહેર હિતના વીમા પોલિસીની વિગતો રજૂ કરવાની રહેશે.

 આ ઉપરાંત ગરબા સ્થળે CCTV કેમેરાની વ્યવસ્થા, સિક્યુરિટી ગાર્ડ અને મહિલા સિક્યુરિટી ગાર્ડની નિમણૂક, મેટલ ડિટેક્ટર સહિતની સુરક્ષા વ્યવસ્થા રાખવાની રહેશે. સ્થળ પર Entry Point, Exit Point અને Emergency Exitની યોગ્ય વ્યવસ્થા કરવા પણ આયોજકોને સૂચના આપવામાં આવી છે. સરકારી જમીન પર કાર્યક્રમ યોજવાનો હોય તો સંબંધિત વિભાગની મંજૂરી તથા ભાડું ભર્યાની પહોંચ રજૂ કરવાની રહેશે. ખુલ્લી જગ્યામાં હંગામી ટેન્ટ કે સ્ટેજ ઊભું કરવામાં આવે તો સ્ટ્રક્ચરની યોગ્યતા અંગે PWDનું NOC મેળવવાનું રહેશે.

શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી ખેલૈયાઓ અને દર્શકોની સુરક્ષા માટે આયોજકોએ તમામ જરૂરી વ્યવસ્થા અગાઉથી સુનિશ્ચિત કરવી પડશે. ખાસ કરીને મોટા ગરબા આયોજનોમાં AI Based CCTV કેમેરા લગાવીને ખેલૈયાઓની સંખ્યા ગણી શકાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. ગરબા સ્થળે સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિકનું સંચાલન પણ સુચારુ રીતે થાય તે માટે આયોજકો તથા સંબંધિત વિભાગો સાથે સંકલન રાખવા જણાવાયું છે. નવરાત્રી દરમિયાન લોકોની સુરક્ષા, મહિલા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા જરૂરી બંદોબસ્ત અને દેખરેખ રાખવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular