ગાંધીનગર, 1 ઓક્ટોબર, 2026 : launch Thermal infrared camera into space today ભારતની ખૂબ ઝડપથી વિકસિત થઈ રહેલી સ્પેસટેક ઇકોસિસ્ટમમાં ગુજરાત એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે આ ક્ષેત્રમાં ડંકો વગાડવા તૈયાર છે. અમદાવાદના સ્ટાર્ટઅપે ઘરઆંગણે તૈયાર કરેલો સ્વદેશી થર્મલ ઇન્ફ્રારેડ અર્થ ઑબ્ઝર્વેશન પેલૉડ (થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા) 1 ઓક્ટોબરે અમેરિકાથી સ્પેસટેકના ‘ફાલ્કન 9’ રૉકેટ દ્વારા અવકાશમાં પહોંચાડવામાં આવશે. આ કેમેરાને તપસ-1 (TAPAS-1) નામ આપ્યું છે, જેને પૃથ્વી પરથી લગભગ 500 કિલોમીટરની ભ્રમણકક્ષામાં એક સેટેલાઈટ સાથે પ્રસ્થાપિત કરવામાં આવશે. અહીંથી તે પૃથ્વીના અલગ અલગ સ્થળો પર ગરમી અને તાપમાનની વધઘટની હાઈ રેઝોલ્યુશન તસવીરો મેળવીને તેનું ડેટા પ્રોસેસિંગ કરશે. આ ડેટા અર્બન હીટ મેનેજમેન્ટ, કૃષિ અને પાણીનુ સ્ટ્રેસ મોનિટરિંગ, ઔદ્યોગિક અને આપદા સમયનું મોનિટરિંગ અને જંગલોમાં આગની ઘટનાઓની ઓળખ કરવા માટે જરૂરી આંતર્દૃષ્ટિ પૂરી પાડશે.
આ સ્ટાર્ટઅપની શરૂઆત વર્ષ 2023માં શ્રણવસિંઘ ભાટી, ડૉ. રાનેન્દુ ઘોષ અને ઊર્મિલ બખાઈ દ્વારા અમદાવાદમાં કરવામાં આવી છે. કંપનીના CEO શ્રવણસિંઘ પાસે 16થી વધુ વર્ષોનો ઉપગ્રહોને લગતા ઇવોવેશન્સનો અનુભવ છે જ્યારે ડૉ. રાનેન્દુ ઘોષે 27 વર્ષ સુધી ISROમાં કૃષિ, હાઈડ્રોલોજી અને માટી વિજ્ઞાનને લગતા સેટેલાઈટ પેલૉડની ટેક્નોલોજી પર કામ કર્યું છે. ઊર્મિલ બખાઈ કંપનીમાં ચીફ સ્ટ્રેટેજી ઓફિસરની ભૂમિકામાં છે, જેમણે 22 વર્ષથી વધુ સમય સુધી કોર્પોરેટ ક્ષેત્રે સેલ્સ અને લીડરશીપમાં કાર્ય કર્યું છે.
3 કિલોગ્રામ વજન વાળો તપસ-1 સેટેલાઈટ પર પેલૉડ તરીકે રહેશે. તેની ડિઝાઈન એવી રીતે કરવામાં આવી છે કે તે થર્મલ ઇન્ફ્રારેડ રેડિયેશનને કેપ્ચર કરશે. સાદી ભાષામાં કહીએ તો પૃથ્વીની સપાટી પરથી નિકળતી ગરમીના ફેરબદલને તે તસવીર તરીકે કેપ્ચર કરશે. આ ડેટાનું AI દ્વારા વિશ્લેષણ કરી શકાય છે અને આ થર્મલ ઇન્ટેલિજન્સ વિવિધ ક્ષેત્રો માટે ઉપયોગી બની શકે છે. આ બાબતે શ્રવણસિંઘ જણાવે છે કે, “આ ડેટાથી જંગલોમાં લાગતી આગને મોનિટરિંગ કરી શકાય છે. તે સિવાય કોઈ શહેરમાં કયા વિસ્તારોમાં તાપમાનની કેટલી વધઘટ રહે છે, તે રિયલટાઈમમાં ટ્રેકિંગ કરી શકાય છે. સ્પેસટેક ક્ષેત્ર માટે વિશિષ્ટ પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે. રાજ્ય સરકાર દ્વારા આ પોલિસી અંતર્ગત સ્પેસટેક ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને ખાનગી રોકાણકારોને વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવે છે. તેમાં લૉન્ચ ખર્ચ માટે સહાય, IP પ્રોપર્ટી રાઇટ માટે સહયોગ તેમજ ટેસ્ટિંગ સુવિધાઓ માટે સબસિડી સહિતની મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે.


