રાજકોટ,12 જુન, 2026 : Demolition notice શહેરના વેસ્ટ ઝાનમાં અમીન માર્ગ પર આવેલા હિંગળાજનગરમાં 70 જેટલા ઝૂંપડામાં ડિમોલિશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારતા રહિશો ફફડી ઊઠ્યા છે. મ્યુનિ. દ્વારા 15 દિવસમાં જગ્યા ખાલી કરવા કહેવામાં આવ્યુ છે, હિંગળાજનગરમાં રહિશો 50થી વધુ વર્ષથી વસવાટ કરી રહ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવા સામે વિરોધ ઊઠ્યો છે.
શહેરના વેસ્ટ ઝોનનાં અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક નવર્મિત ટ્વીન્સ ટાવર પાસેનાં હિંગળાજનગરમાં 70 જેટલાં ઝુપડા ખાલી કરવા મ્યુનિએ નોટિસ ફટકારી છે. તેમજ વિજીલન્સ વિભાગને સાથે રાખીને આ પ્લોટનું ડિમાર્કેશન પણ કરવામાં આવ્યું છે. જોકે અહીં રહેતા લોકો 50 વર્ષ કરતા વધુ સમયથી વસવાટ કરતા હોવાથી તેમને 15 દિવસમાં ખાલી કરવાની નોટિસ અપાતા ભારે રોષ જોવા મળ્યો છે. ચોમાસા બાદ આ કાર્યવાહી કરાય અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
શહેરના અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક હિંગળાજનગરમાં આવેલો પ્લોટ મ્યુનિની ટાઉન પ્લાનિંગ શાખા હસ્તકનો છે. આ ટીપી પ્લોટમાં દાયકાઓ જૂની ઝૂંપડપટ્ટી આવેલી છે, જેને ખાલી કરાવવા મ્યુનિએ અગાઉ પણ વહીવટી પ્રક્રિયા હાથ ધરી હતી, પરંતુ મામલો અદાલતમાં જતાં કામગીરી અટકી પડી હતી. તાજેતરમાં જ આ કાનૂની વિવાદનો ચુકાદો મ્યુનિની તરફેણમાં આવતાં હવે તંત્ર માટે દબાણો દૂર કરવાનો માર્ગ મોકળો બન્યો છે. આ જમીન પર પીપીપી ધોરણે આવાસ યોજના બનાવવામાં આવશે, જેમાં મ્યુનિ. દ્વારા 20 ટકા જગ્યા ફાળવવામાં આવશે. વેસ્ટ ઝોનના એટીપી ભાર્ગવ બારેવાડિયા દ્વારા સ્થાનિકોને કલમ 260-2 હેઠળ સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા 15 દિવસની આખરી ચેતવણી આપવામાં આવી છે. જોકે વરસાદની સીઝન હોવાથી સ્થાનિક રહિશોએ વધુ મુદત આપવાની માગ કરી છે.


