પેટા ચૂંટણીઃ માંજલપુર બેઠક પર ભાજપની જીત, તો બિહાર-મધ્યપ્રદેશમાં JSP-કોંગ્રેસ આગળ
- વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપના સતિષ પટેલનો વિજય, બિહારની બાંકીપુર અને એમપીની દતિયા બેઠક પર ગણતરી ચાલુ
રિવોઈ ન્યૂઝ, 3 ઓગસ્ટ, 2026 – ગુજરાત, બિહાર અને મધ્ય પ્રદેશની વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીનાં પરિણામો અને મતગણતરીના તાજા અહેવાલ જાહેર થઈ રહ્યા છે. ગુજરાતમાં વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપે ગઢ જાળવી રાખ્યો છે, જ્યારે બિહાર અને મધ્ય પ્રદેશની બેઠકો પર રસપ્રદ જંગ જોવા મળી રહ્યો છે. આ બંને રાજ્ય પૈકી બિહારમાં જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર 23 રાઉન્ડ પછી મોટી લીડ સાથે આગળ છે જ્યારે મધ્યપ્રદેશની દતિયા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર 12,000 કરતાં વધુ લીડ સાથે આગળ ચાલી રહ્યા છે.
વડોદરા: માંજલપુર બેઠક પર ભાજપના સતિષ પટેલનો મોટા માર્જિનથી વિજય
ગુજરાતના વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી ઉપચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત નોંધાવી છે. ભાજપના ઉમેદવાર સતિષ પટેલે પોતાના હરીફ ભીખાભાઈ રબારીને 30,630 મતોના વિશાળ અંતરથી હરાવીને પક્ષનો આ બેઠક પર દબદબો બરાબર જાળવી રાખ્યો છે.
ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી, જ્યાં 30 જુલાઈએ શાંતિપૂર્ણ વાતાવરણમાં 37.50% મતદાન થયું હતું.
બિહાર: બાંકીપુર બેઠક પર પ્રશાંત કિશોર આગળ
બિહારની રાજધાની પટના હેઠળ આવતી ચર્ચાસ્પદ બાંકીપુર વિધાનસભા બેઠક પર ઉપચૂંટણીની મતગણતરી ચાલુ છે. અહીં ‘જન સુરાજ’ના સ્થાપક પ્રશાંત કિશોર – પીકે શરૂઆતથી જ સતત લીડ જાળવી રહ્યા છે. 23મા રાઉન્ડની મતગણતરીના અંતે પ્રશાંત કિશોર 15,000થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે.
ભાજપ માટે શરમજનક સ્થિતિ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન રાજ્યસભામાં ગયા બાદ આ બેઠક ખાલી પડી હતી. ભાજપે અહીં નીરજ સિંહાને અને રાજદે (RJD) રેખા ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા છે. 30 જુલાઈએ અહીં 34.3% મતદાન નોંધાયું હતું.
મધ્ય પ્રદેશ: દતિયા બેઠક પર કોંગ્રેસના ઘનશ્યામ સિંહની લીડ
મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીમાં 9 રાઉન્ડની ગણતરીના અંતે કોંગ્રેસ ઉમેદવાર ઘનશ્યામ સિંહ લગભગ 12,000 મતોથી આગળ ચાલી રહ્યા છે. શરૂઆતમાં આગળ રહ્યા બાદ ભાજપના અશુતોષ તિવારી પાછળ ફેંકાઈ ગયા છે.
2023માં કોંગ્રેસના રાજેન્દ્ર ભારતી અહીંથી ચૂંટાયા હતા, પરંતુ જૂના કેસમાં દોષિત ઠરતા તેમનું ધારાસભ્યપદ રદ્દ થયું હતું. ત્યારબાદ કોંગ્રેસે ઘનશ્યામ સિંહને ટિકિટ આપી હતી, જ્યારે ભાજપે પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને બદલે નવા ચહેરા અશુતોષ તિવારી પર પસંદગી ઉતારી હતી.


