અમરાવતી, 25 ઓગસ્ટ 2026: આંધ્રપ્રદેશના મંદિર-નગર શ્રીશૈલમના એક રેસ્ટ હાઉસમાં એક જ પરિવારના પાંચ સભ્યો ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આશંકા છે કે આ પાંચેય વ્યક્તિઓએ આત્મહત્યા કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન સ્વામી મંદિરની મુલાકાત લેતા ભક્તો માટેના વિશ્રામગૃહ ‘વડેરા સતારામ’ના એક રૂમમાં બે પુરુષો અને ત્રણ મહિલાઓ લટકેલી હાલતમાં મળી આવ્યા હતા.
પરિવારના પાંચ સભ્યોએ સાથે મળીને કરી આત્મહત્યા
પોલીસના જણાવ્યા અનુસાર, રૂમમાં બે પુરુષો છતના પંખા પર લટકેલી હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે ત્રણ મહિલાઓ વોશરૂમમાં ફાંસીના ફંદા પર લટકેલી મળી આવી હતી. એવી માનવામાં આવે છે કે પરિવારના આ પાંચેય સભ્યોએ ત્રણ દિવસ પહેલાં આત્મહત્યા કરી હતી.
આ ઘટના આજે મંગળવારે પ્રકાશમાં આવી, જ્યારે એક બંધ રૂમમાંથી દુર્ગંધ આવવા લાગતાં કર્મચારીઓએ પોલીસને જાણ કરી. પોલીસે દરવાજો તોડ્યો ત્યારે પાંચેય જણ મૃત હાલતમાં મળી આવ્યા.
એક મહિનાથી રેસ્ટ હાઉસમાં રોકાયેલો હતો પરિવાર
આત્માકુરના ડીએસપી રામંજનેયુલુએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને જણાવ્યું કે આ પરિવાર શ્રી સત્ય સાંઈ જિલ્લાના બટ્ટલાપલ્લીનો રહેવાસી હતો.
એવું માનવામાં આવે છે કે આર્થિક તંગીને કારણે પરિવારે આત્મહત્યા કરી છે. સુધાકર નામની વ્યક્તિ તેની ત્રણ બહેનો અને એક ભત્રીજા સાથે ગયા મહિને શ્રીશૈલમ આવી હતી. તેઓ લગભગ એક મહિનાથી તે રૂમમાં રોકાયા હતા.
ડીએસપીએ જણાવ્યું હતું કે આ પરિવાર 28 જુલાઈએ ઓટો-રિક્ષામાં આવ્યો હતો. તેઓએ રૂમ નંબર 11 લીધો હતો અને તેનું દૈનિક ભાડું 29 ચૂકવતા હતા. જ્યારે સ્ટાફે તેમને રૂમ ખાલી કરવાનું કહ્યું, ત્યારે તેમણે ખરાબ સ્વાસ્થ્ય અને મંદિરમાં માનતા માનવાની ઈચ્છાનું કારણ આપીને વધુ સમયની વિનંતી કરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. તેમાંથી બે મહિલાઓ છૂટાછેડા લીધેલી હતી. સુધાકર અપરિણીત હતો અને પોતાની બહેનોની સંભાળ રાખતો હતો.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શ્રીશૈલમની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
વધુ વાંચો: અમેરિકાએ H-1B વિઝા અરજીઓ પર 1.03 લાખ ડોલર ફીનો પ્રસ્તાવ મૂક્યો


