Site icon Revoi.in

સુરેન્દ્રનગરના મુળી-થાન રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો, એકને ગંભીર ઈજા

Social Share

સુરેન્દ્રનગર, 30 જાન્યુઆરી 2026: જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે મુળી-થાન રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. આજે સવારના સમયે મૂળી-થાન રોડ પર વગડીયા ગામ પાસે બે  કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મૂળી તાલુકાના ઢેઢુકી ગામના રહીશ બાવકુભાઈ રાવતભાઈ વેગડ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન વગડીયા નજીક કોઈ કારણસર સામેથી આવતી અન્ય કાર સાથે તેમની કારની ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાવકુભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાવકુભાઈને તાત્કાલિક થાનની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત નાજુક જણાતા તબીબોએ વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ મૂળી પોલીસના રવિરાજસિંહ પરમાર સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરાવી ટ્રાફિક હળવો કર્યો હતો અને અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version