Site icon Revoi.in

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી 80 લાખના સોના-ચાંદીના દાગીના સાથે ફરાર

Social Share

અમદાવાદ, 12 મે 2026 : Angadiya firm employee absconds with jewelry worth Rs 80 lakhs શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીમાં માત્ર 11 દિવસ પહેલા જ નોકરી પર રાખેલો કર્મચારી સોના-ચાંદીના કિંમતી દાગીના સહિત કુલ 80.56 લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈને પલાયન થઈ જતા આ મામલે કાલુપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના  રાણીપ વિસ્તારમાં રહેતા અને આંગડિયા પેઢીના સંચાલક અંકિત પારેખે થોડા સમય પહેલા જ જીગરસિંહ વિહોલા નામના યુવાનને પાર્સલ ડિલિવરીના કામ માટે નોકરી પર રાખ્યો હતો. શરૂઆતના દિવસોમાં જીગરસિંહે વ્યવસ્થિત કામ કરીને માલિકનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. દરમિયાન  ગઈ તા. છઠ્ઠી મેના રોજ જીગરસિંહને એક મોટી જવાબદારી સોંપવામાં આવી જે તેની દાનત બગડી હતી. આંગડિયા પેઢીના સંચાલકે  અલગ-અલગ વેપારીઓના કિંમતી પાર્સલ, જેમાં ભુજના કચ્છી જ્વેલર્સની ચાંદીની પાટો અને અન્ય સોના-ચાંદીના દાગીના સામેલ હતા. આશરે 80.56 લાખ રૂપિયાની કિંમતનો આ મુદ્દામાલ જીગરસિંહને ભુજ પહોંચાડવા માટે આપ્યા હતા. અમદાવાદથી  જીગરસિંહ કચ્છ જવા માટે બસમાં રવાના તો થયો હતો, પરંતુ ભુજ સ્ટેશન પર તેને લેવા આવેલા પેઢીના અન્ય કર્મચારીને તે મળ્યો ન હતો. તેનો મોબાઈલ ફોન પણ સતત સ્વીચ ઓફ આવતા સંચાલકોને શંકા ગઈ હતી. ઘણાં સમય સુધી જીગરસિંહની કોઈ ભાળ ન મળતા આખરે માલિક અંકિત પારેખે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ચોરી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે. આરોપીના રહેઠાણ અને સંભવિત ઠેકાણાઓ પર તપાસ તેજ કરી છે. આંગડિયા પેઢીઓમાં નવા કર્મચારીઓની ભરતી વખતે પોલીસ વેરિફિકેશન કેટલું જરૂરી છે, તે આ કિસ્સા પરથી ફરી એકવાર સાબિત થયું છે.

Exit mobile version