Site icon Revoi.in

સુરતમાં બેકાબુ ટ્રક-ટ્રેલર રોકડિયા હનુમાનજી મંદિરની દીવાલ તોડી અંદર ઘૂંસી ગયુ

Social Share

સુરતઃ શહેરના ઊધના વિસ્તારમાં આવેલા ખરવરનગર નજીક વહેલી સવારે બેકાબુ બનેલા ટ્રેલરે રોડ સાઈડ પર આવેલા રોકડિયા હનુમાનજી મંદિરની દીવાલ તોડીને અંદર ઘૂંસી ગયું હતું. આ બનાવની અફડાતફડી મચી ગઈ હતી. જોકે સદભાગ્યે હનુમાનજીની પ્રતિમા કે મેઈન મંદિરને નુકસાન થયું નહોતું. આ બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને દારૂના નશામાં ચૂર એવા ટ્રેલરચાલક સહિત ત્રણને પોલીસને હવાલે કરાયા હતા.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ઊધના વિસ્તારમાં આવેલા ખરવરનગર નજીક વહેલી સવારે ટ્રેલરચાલકે કોઈ કારણોસર વાહન પરનો કાબૂ ગુમાવતા એક રિક્ષાને ટક્કર માર્યા બાદ તે સીધું જ રોકડિયા હનુમાન મંદિરની દીવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું. અકસ્માતને પગલે મંદિરમાં આગળાના ભાગને ભારે નુકસાન થયું હતું. જો કે હનુમાનજીની મુખ્ય મૂર્તિઓ કે અન્ય કોઈ પ્રતિમાને કોઈ નુકસાન ન થતાં ભક્તો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ટ્રેલરચાલક અને તેમાં સવાર અન્ય લોકો નશાની હાલતમાં હતા. આ ગંભીર અકસ્માત બાદ, હાજર રહેલા સ્થાનિક લોકોએ તુરંત જ ટ્રેલરચાલક સહિત ત્રણ વ્યક્તિઓને પકડી પાડ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્રણેય શખ્સોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટરો અને આગેવાનો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલમાં, આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં નશાની હાલત, અકસ્માતનું ચોક્કસ કારણ અને અન્ય કાયદાકીય પાસાઓની તપાસ કરવામાં આવશે.