અમરાવતી, 27 ઓગસ્ટ 2026: આંધ્રપ્રદેશના પાલનાડુ જિલ્લામાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ચિલાકલુરિપેટ નેશનલ હાઈવે પર થયેલા માર્ગ અકસ્માતમાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય 10 લોકો ઘાયલ થયા હતા.
ચિલાકલુરિપેટ નેશનલ હાઈવે પર ખાનગી ટ્રાવેલ બસ અને ઓટો-રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, મૃતક તમામ લોકો ચિલાકલુરિપેટ મંડળના વેલુરુ ગામના રહેવાસી હતા.
ચિલાકલુરિપેટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતમાં 7 લોકોનાં મોત
એવું જાણવા મળ્યું છે કે આ લોકો એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે કોન્ડામંજુલુરુ ગયા હતા અને ઓટો-રિક્ષામાં વેલુરુ પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.
બસ વિજયવાડાથી તિરુપતિ તરફ જઈ રહી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા બે લોકોની હાલત ગંભીર છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સરકારે લોકોને સુરક્ષાના નિયમોનું પાલન કરવાની અપીલ કરી
આંધ્રપ્રદેશના પરિવહન મંત્રી મંડિપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ આ અકસ્માત અંગે આઘાત અને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ટક્કરને કારણે સાત લોકોના મોત અત્યંત દુઃખદ છે. તેમણે કહ્યું કે માર્ગ અકસ્માતોમાં કિંમતી જીવ ગુમાવવા પડે તે બાબત અત્યંત પીડાદાયક છે.
અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મંડિપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ કહ્યું, “મુસાફરી લોકોને તેમના ગંતવ્ય સુધી લઈ જનારી હોવી જોઈએ, તેમના અંતિમ મુકામ સુધી નહીં.”
રામપ્રસાદ રેડ્ડીએ અધિકારીઓને સૂચના આપી કે ઘાયલોને યોગ્ય તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવે. તેમણે પરિવહન વિભાગના અધિકારીઓને અકસ્માત સ્થળે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો. પરિવહન મંત્રીએ સૌને સાવચેતીપૂર્વક મુસાફરી કરવા અને માર્ગ સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી.


