કાઠમંડુ, 27 ઓગસ્ટ 2026: નેપાળ-ચીન સરહદ પર આવેલા રસુવાગઢીમાં ભોટે કોશી નદીમાં આવેલા પૂર અંગે, નેપાળના ‘રાષ્ટ્રીય આપત્તિ જોખમ ન્યૂનીકરણ અને વ્યવસ્થાપન સત્તામંડળ’એ જણાવ્યું છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 165 મૃતદેહો મળી આવ્યા છે અને તેમની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે નેપાળ અને ચીનના તિબેટ વિસ્તારમાં આશરે 1500 લોકો (ઓછામાં ઓછા 800 વિદેશીઓનો સમાવેશ થાય છે) લાપતા છે. બુધવારે આવેલા સંકટ બાદ ફસાયેલા હજારો લોકોની શોધખોળ કરવા અને તેમને આવશ્યક સામગ્રી પહોંચાડવા માટે નેપાળમાં બચાવકર્મીઓએ હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો.
વધી શકે છે મૃત્યુઆંક
આ દુર્ઘટના તિબેટના લ્હાસાને નેપાળની રાજધાની કાઠમંડુ સાથે જોડતા દુર્ગમ પહાડી વિસ્તારમાં સર્જાઈ હતી, એવો વિસ્તાર જ્યાં મોટી સંખ્યામાં ટ્રેકર્સ અને યાત્રાળુઓ આવ-જા કરતા હોય છે. પોલીસનું કહેવું છે કે મૃત્યુઆંક 165થી વધી શકે છે.
પોલીસ પ્રવક્તા એબી નારાયણ કાફલેએ રોઇટર્સને જણાવ્યું હતું કે, “આ સંખ્યા વધી શકે છે, કારણ કે અમે શોધખોળની કામગીરી ફરી શરૂ કરી છે અને વધુ મૃતદેહો મળી આવવાની અપેક્ષા રાખીએ છીએ.” પોલીસ અને પ્રવાસન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે નેપાળમાં ગુમ થયેલા 826 લોકોમાં આશરે 600 વિદેશીઓનો સમાવેશ થાય છે.
બે ડઝનથી વધુ દેશોના ગુમ થયેલા પ્રવાસીઓ પૈકી આશરે 300 પ્રવાસીઓ ભારતથી, 63 અમેરિકાથી, 34 ઓસ્ટ્રેલિયાથી, 33 બ્રિટનથી અને 25 કેનેડાથી હતા. ચીનના સરકારી પ્રસારણકર્તા CCTVએ ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે તિબેટના ગ્યિરોંગ કાઉન્ટીમાં ગુમ થયેલા લોકોની સંખ્યા 558 હતી, જેમાં 260 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.
વધુ વાંચો: આંધ્રપ્રદેશ: વિજયવાડાથી તિરુપતિ જતી બસ ઓટો-રિક્ષા સાથે અથડાઈ, 7 લોકોનાં મોત


