Site icon Revoi.in

સુરેન્દ્રનગરમાં આંગણવાડી કર્મચારીઓનો ઓનલાઈન કામગીરી સામે વિરોધ

Social Share

સુરેન્દ્રનગર, 04 માર્ચ 2026: Anganwadi workers protest against online work  જિલ્લાની ૧૩૫૫ આંગણવાડીઓના અંદાજે ૨૭૧૦ જેટલા કર્મચારીઓએ ઓનલાઇન કામગીરી અને પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે મોરચો માંડયો છે. કર્મચારીઓની માગ એવી છે કે, નવા મોબાઈલ નહીં આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી કરાશે નહીં’ તેમજ ૧૬મી માર્ચ સુધીમાં ઓનલાઈન કામગીરી બંધ કરવાનો નિર્ણય નહીં કરાય તો ૧૩૫૫ આંગણવાડીના કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. વઢવાણ સહિતના તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ આજે જિલ્લા પંચાયત ખાતે એકત્રિત થઈ પ્રોજેક્ટ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જિલ્લાના આગણવાડી કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘સરકારે નવા મોબાઈલ આપ્યા નથી, છતાં ખાનગી મોબાઈલ પર ઓનલાઇન કામગીરીનું દબાણ કરવામાં આવે છે. એપ્લિકેશનો વારંવાર અપડેટ થાય છે, પણ વર્ષ ૨૦૨૨થી પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. વધુમાં, બાળકોના વજન, એફઆરએસ અને એમએમવાય વિતરણની ઓનલાઇન એન્ટ્રી તથા ફોટા અપલોડ કરવાની પ્રક્રિયાને કારણે બાળકોના શિક્ષણ અને પોષણ પર ગંભીર અસર પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત દરમિયાન કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે આંગણવાડીમાં બાળકો માટે જે ચણા આપવામાં આવે છે. તે સડેલા અને નબળી ગુણવત્તાના હોય છે. ગુણવત્તાના અભાવે અવારનવાર હોબાળા થતા હોવાથી પોષણક્ષમ અને સારી ક્વોલિટીની વસ્તુઓ આપવાની માંગ કરાઈ છે.

 આ મામલે આઇસીડીએસ વિભાગના પ્રોજેક્ટ ઓફિસર ભાવનાબેન ઝીડિયાએ જણાવ્યું હતું કે, ‘બહેનોની રજૂઆતો મહિલા અને બાળ વિકાસ વિભાગ સુધી પહોંચાડવામાં આવશે. તેમને નવા મોબાઈલ મળે અને કામગીરીમાં રાહત રહે તે માટે વિભાગ સ્તરે ભલામણ કરવામાં આવશે.

Exit mobile version