એશિયા કપ 2025માં ભારત સામે સતત ત્રીજી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીની આકરી ટીકા થઈ રહી છે. રવિવારે રમાયેલી ફાઈનલમાં પાકિસ્તાનને ભારતે પરાજય આપ્યો હતો. મેચ બાદ ભારતીય ખેલાડીઓએ નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇન્કાર કર્યો હતો, જે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ નકવી માટે આ શરમજનક ક્ષણ સાબિત થઈ હતી. બીજી તરફ સોશિયલ મીડિયામાં અનેક પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓએ નકવીને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે અને ટીમમાં સાચી પ્રતિભાને પરત લાવવાની અપીલ કરી છે.
પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (PTI)ના નેતા મૂનિસ ઇલાહીએ ‘X’ (પૂર્વ Twitter) પર લખ્યું હતું કે, “જો પ્રધાનમંત્રી શહબાઝ શરીફમાં હિંમત છે તો મોહસિન નકવી સામે તરત જ કાર્યવાહી કરવી જોઈએ. આ વ્યક્તિએ થોડા સમયમાં પાકિસ્તાન ક્રિકેટને બરબાદ કરી નાખ્યું છે.” સિંઘના પૂર્વ રાજ્યપાલ મહમ્મદ જુબૈરે પણ નકવી પર આકરા પ્રહાર કર્યાં છે.. તેમણે આક્ષેપ કર્યો કે નકવીએ પાકિસ્તાનના શ્રેષ્ઠ ખેલાડીઓ બબર આઝમ અને મુહમ્મદ રિઝવાનને ટીમમાંથી બહાર કરી દીધા અને તેમની જગ્યાએ સલમાન આગા તથા હારિસ જેવા ખેલાડીઓને સામેલ કર્યા હતા. પરિણામે પાકિસ્તાનની બેટિંગ લાઇન-અપ તૂટી પડી હતી.
જેલમાં બંધ પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને નકવીની તુલના સેનાધ્યક્ષ જનરલ આસીમ મુનીર સાથે કરતા કહ્યું હતું કે, “મોહસિન નકવી પાકિસ્તાન ક્રિકેટ સાથે એ જ કરી રહ્યા છે જે સેનાધ્યક્ષ દેશ સાથે કરી રહ્યા છે.”
પત્રકાર ઉમર દરાજ ગોંડલે લખ્યું કે, ભારતીય ખેલાડીઓએ નકવી સાથે હાથ મિલાવવા કે ટ્રોફી લેવા ઇન્કાર કરવો એ ચેતવણી છે. તેમણે જણાવ્યું કે, “પાકિસ્તાનમાં ક્રિકેટનું પતન થઈ ચૂક્યું છે, બરાબર એ જ રીતે જેમ હૉકીનું થયું હતું. નકવીને માત્ર રાજકીય ચાહનાના કારણે PCB અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જો આ પ્રકારની રાજકીય નિમણૂક બંધ નહીં થાય તો પાકિસ્તાન ક્રિકેટમાં સુધારો શક્ય નથી.”