Site icon Revoi.in

સુરતમાં વધુ 80 કિલો નકલી પનીર અને 168 કિલો અખાદ્ય માવો પકડાયો

Social Share

સુરતઃ શહેરમાં રોજબરોજ ભેળસેળયુક્ત અને નકલી ખાદ્યચિજવસ્તુઓ પકડાય રહી છે. શહેરના સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SOG) પોલીસે મ્યુનિના ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને ઝૂંબેશ ચલાવતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉ પનીર અને માખણનો ભેળસેળયુક્ત જથ્થો પકડાયા બાદ વધુ 80 કિલો નકલી પનીર અને 80 કિલો અખાદ્ય માવો પકડાયો છે. SOGએ એક જ દિવસમાં શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને તંત્રએ હજારો રૂપિયાની કિંમતનું શંકાસ્પદ નકલી પનીર અને ભેળસેળયુક્ત માવો બજારમાં વેચાય તે પહેલાં જ ઝડપી પાડ્યો છે.

સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા તત્વો સામે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મ્યુનિના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત રીતે લાલ આંખ કરી છે. S.O.G. ને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસની ટીમે સુરત મ્યુનિના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારી જે.એમ. દેસાઈ અને ટી.એસ. પટેલને સાથે રાખીને ઉધના વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ઉધના ગામ, પટેલ કોલોનીમાં આવેલી જ્યોતિનગર સોસાયટીમાં એક પ્રોવીઝન સ્ટોરમાં તપાસ કરાતા  રૂ. 26,900ની કિંમતનું 80 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયો હતો. જેમાં 70 કિલો મલાઈ પનીર અને 10 કિલો એનાલોગ પનીર મળી આવ્યું હતું, જે હલકી કક્ષાના દૂધ અને પામોલિન તેલમાંથી બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પૂણા વિસ્તારના મગોબના એક ફ્લેટમાંથી રૂ. 34,953ની કિંમતનો 168 કિલો અખાદ્ય માવો પકડાયો હતો.

S.O.G. ની ટીમને મળેલી અન્ય એક બાતમીના આધારે મ્યુનિના ફૂડ ઓફિસર ડી.ડી. ઠાકોર સાથે પુણા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. મગોબ ખાતે આવેલી “પ્રિયંકા સીટી”ના બિલ્ડીંગ નં-જી-1, ફ્લેટ નં. 23માં રહેણાંક વિસ્તારમાં ધમધમતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ફ્લેટ માલિક હનુમાન લાધુરામ બિશ્નોઈના ઘરે તપાસ કરતા ત્યાંથી મીઠાઈ બનાવવા માટે વપરાતો 168 કિલોગ્રામ જેટલો જંગી શંકાસ્પદ માવો મળી આવ્યો હતો. આ માવાની કુલ કિંમત રૂ. 34,953 આંકવામાં આવી છે. તહેવારો કે સામાન્ય દિવસોમાં મીઠાઈની માગ વધે ત્યારે આવા શંકાસ્પદ માવા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરવામાં આવતો હોવાની આશંકા છે.

આ બંને દરોડામાં કુલ મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શંકાસ્પદ મલાઈ પનીર, એનાલોગ પનીર અને શંકાસ્પદ માવાના જથ્થાને સીલ કરવામાં આવ્યો છે. આ ખાદ્યપદાર્થો ખરેખર કેટલા હાનિકારક છે અને તેમાં કઈ વસ્તુઓની ભેળસેળ છે, તે જાણવા માટે તમામ નમૂનાઓ પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ જો આ પદાર્થો અખાદ્ય કે ભેળસેળયુક્ત સાબિત થશે, તો દુકાનદારો અને વિક્રેતાઓ સામે કાયદાકીય રાહે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

Exit mobile version