
પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ઠાર, લશ્કરના આતંકવાદી હંજલા અદનાનની હત્યા
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની હત્યા થઈ છે. લશ્કર-એ-તૈયબાના આતંકી નેતા અદનાન અહમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. હંજલા વર્ષ 2016માં પંપોર ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. આ હુમલામાં આઠ ભારતીય જવાનો શહીદ થયાં હતા. જ્યારે 22 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2015માં જમ્મુના ઉધમપુર ખાતે બીએસએફ કાફલા ઉપર થયેલા હુમલામાં પણ અદનાનની સંડોવણી ખુલી હતી. આ હુમલામાં બે જવાનો શહીદ થયાં હતા. જ્યારે 13 જવાનોને ઈજા થઈ હતી. આ કેસની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી હતી અને 6 ઓગસ્ટ 2015માં કોર્ટમાં ચાર્જશીટ કરવાઈ હતી. પંપોર અને ઉધમપુરમાં હુમલાના નિર્દેશ પાકિસ્તાનમાં બેઠા-બેઠા અદનાને આપ્યાં હતા.
હંજલાએ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પુલવામા વિસ્તારમાં થયેલા આત્મઘાતી હુમલાને અંજામ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હંજલાને પીઓકેમાં લશ્કરના આતંકવાદી કેમ્પમાં જોડાયેલા યુવાનોના બ્રેનવોશની કામગીરી સોંપવામાં આવી હતી. અજનાજને લશ્કર કોમ્યુનિકેશન એક્સપર્ટ પણ કહેવાનો આવતો હતો.