1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં 3014 તલાટી કમ મંત્રી સહિત 4159 નવ નિયુક્ત યુવા કર્મીઓને નિમણૂંક પત્ર એનાયત કરાયાં
રાજ્યમાં 3014 તલાટી કમ મંત્રી સહિત 4159 નવ નિયુક્ત યુવા કર્મીઓને નિમણૂંક પત્ર એનાયત કરાયાં

રાજ્યમાં 3014 તલાટી કમ મંત્રી સહિત 4159 નવ નિયુક્ત યુવા કર્મીઓને નિમણૂંક પત્ર એનાયત કરાયાં

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારમાં નવી નિમણૂંક મેળવી રહેલા 4159 જેટલા યુવાઓને નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના સંવાહક બનવા પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય, શિક્ષણ સહિત સમાજ કલ્યાણની દરેક યોજનાઓથી છેવાડાના માનવી અને જરૂરત મંદ લોકોને 100 ટકા આવરી લેવાનાં આપેલા સેચ્યુરેશન પોઇન્ટના લક્ષ્યાંકને પાર પાડવાનું સેવા દાયિત્વ આ નવ યુવા કર્મીઓએ નિભાવવાનું છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, GPSC તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામેલા 3014 તલાટી કમ મંત્રી, 998 જુનિયર ક્લાર્ક, 72 નાયબ સેક્શન ઓફિસર, 58 અંગ્રેજી સ્ટેનોગ્રાફર તથા 17 હવાલદાર મળીને સમગ્રતયા 4159 નવ યુવાઓને સરકારી સેવામાં નિમણૂંકના પત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ નવી નિમણૂંક મેળવી રહેલા આ યુવા કર્મીઓને દિપાવલી પર્વના પ્રારંભિક દિવસોમાં આ રોજગાર અવસર આર્થિક ઉજાસનો આધાર બન્યો છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારી નોકરી, પદ કે હોદ્દાને માત્ર આર્થિક લાભ કે આધાર તરીકે જોવાને બદલે જન સેવાની મળેલી તક તરીકે સ્વીકારીને કાર્યરત રહેવાથી અન્યનું ભલું કરવાનો, સારું કરવાનો ભાવ આપોઆપ ઉજાગર થશે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારદર્શી અને અસરકારક કાર્યપ્રણાલી પ્રસ્થાપિત કરીને ગુડ ગવર્નન્સનું મોડેલ આપ્યું છે. ગુજરાતની આ ગુડ ગવર્નન્સ અગ્રેસરતાથી વિકાસની ગતિ વધુ સારી રીતે આગળ લઈ જવામાં પંચાયત સેવાના પાયાના કર્મચારી તરીકે નવનિયુક્ત કર્મયોગીઓની જવાબદારીઓ વિશેષ છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી નિમણૂંક પામી રહેલા કર્મયોગીઓને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે ઊંચા લક્ષ્ય, નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતાથી પ્રતિબદ્ધ રહેવાની શીખ આપતા કહ્યું કે, તમારા કામથી લોકો તમને યાદ કરવા જોઈએ. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાતથી રાષ્ટ્ર નિર્માણ યાત્રાના સહયોગી બનવાની પ્રેરણા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા નવનિયુક્ત કર્મીઓને આપી હતી. નવી નિમણૂંક મેળવી રહેલા કર્મયોગીઓને પ્રેરણા-માર્ગદર્શન આપતા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના શુભેચ્છા પત્રનો મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ઉલ્લેખ કરતાં કહ્યું કે, વિકાસ, સુશાસન અને શ્રેષ્ઠતાની ત્રિવેણીથી રાષ્ટ્ર અને રાજ્યની ગૌરવ-પ્રતિષ્ઠા સતત વધારવામાં આ યુવા શક્તિના ઉમંગ, જોશ અને નવી ચેતનાસભર વિચારો ઉપયુક્ત બનશે.

રાજ્ય અને પંચાયત સેવામાં નવનિયુક્ત થયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા પંચાયત રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં ગુજરાતની પંચાયત સેવાને વધુ સબળ, સુગમ અને મજબૂત બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સંપૂર્ણ ભરતી પ્રક્રિયાને પારદર્શિતા સાથે ખૂબ જ ટૂંકા ગાળામાં પૂર્ણ કરી આજે સૌને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા છે.પસંદગી પામેલા સૌ ઉમેદવારો પાસે રાજ્ય સરકારમાં જોડાઈને નાગરિકોની સેવા કરવા માટેની જ્વલંત તક છે. ત્યારે નવનિયુક્ત કર્મયોગીઓ પણ સંપૂર્ણ નિષ્ઠા અને પારદર્શિતા સાથે કામ કરી રાજ્યના વિકાસમાં પોતાનો સહયોગ આપે, તેવો મંત્રીએ સૌને અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના દરેક ગામડાની ગ્રામ પંચાયતોને અદ્યતન બનાવવા જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડી છે. પરિણામે આજે ગ્રામ પંચાયતોમાં સચિવાલય જેટલી જ સુવિધા હોવાથી તેને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે. આ ગ્રામ સચિવાલયમાં આપ સૌ કર્મયોગીઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. મંત્રીએ સૌનો ઉત્સાહવર્ધન કરતા કહ્યું હતું કે, કોઈ દિવસ નબળો વિચાર ન કરીએ, નબળું કામ ન કરીએ, જે પણ કામ કરીએ એ આજે જ કરીએ અને શ્રેષ્ઠ કરીએ તેમ તેમણે ઉમેર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code