1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બોપલ-ઘૂમાને AMCમાં મર્જ કરાતા જ વેરામાં ત્રણઘણો વધારો પણ વિકાસ તો હજુ ઠેરનો ઠેર જ છે
બોપલ-ઘૂમાને AMCમાં મર્જ કરાતા જ વેરામાં ત્રણઘણો વધારો પણ વિકાસ તો હજુ ઠેરનો ઠેર જ છે

બોપલ-ઘૂમાને AMCમાં મર્જ કરાતા જ વેરામાં ત્રણઘણો વધારો પણ વિકાસ તો હજુ ઠેરનો ઠેર જ છે

0
Social Share

અમદાવાદઃ શહેરના સીમાડે આવેલા બોપલ-ઘૂમા સહિતના વિસ્તારોને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યા ત્યારે આ વિસ્તારના લોકોમાં હરખ સમાતો નહતો. લોકોની એવી અપેક્ષા હતી કે અર્ધ વિકસિત બોપલ-ધૂમા સહિતના વિસ્તારોનો હવે વિકાસ કરાશે. પરંતુ વિકાસના સ્વપ્નાઓ તો પુરા ન થઈ શક્યા પણ ઘરવેરામાં ત્રણઘણો વધારો થઈ ગયો.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના છેવાડે આવેલા બોપલ-ઘુમા વિસ્તારનો ગત એપ્રિલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની  હદમાં સમાવેશ કરાયો હતો. આમ, લગભગ એક વર્ષ પૂરું થવા આવ્યું છે અને હવે તો જંત્રી દર મુજબ આ વિસ્તારના રહેવાસીઓને નવા ટેક્સનાં બિલો પણ વહેંચવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. અત્યારસુધી બોપલવાસીઓ નગરપાલિકામાં વર્ષે રૂ. 6 કરોડનો વેરો ભરતા હતા, પરંતુ AMCની રેવન્યુ કમિટીએ તો તેમની પાસેથી રૂ. 23 કરોડનો મિલકતવેરો ઉઘરાવવાના ટાર્ગેટને પાર પાડવાની યોજના પણ ઘડી કાઢી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના બોપલ-ઘુમાના વિસ્તારને AMCએ A, B, C અને D એમ ચાર ગ્રેડમાં વિભાજિત કર્યા છે. આ મુજબ જે વિસ્તારમાં પ્રતિ ચોરસમીટર જંત્રી દર રૂ. 22000 કે તેથી વધુ હોય એવી મિસકતોનો “A” ગ્રેડ, રૂ. 13500થી 22000 જંત્રી દરવાળી મિલકતોને “B” ગ્રેડ, રૂ. 6751થી 13500ના જંત્રી દરની મિલકતોને “C” ગ્રેડ અને રૂ. 6751 સુધીના જંત્રી દરવાળી મિલકતોનો “D” ગ્રેડ અપાયો છે. AMCની ફોર્મ્યુલા મુજબ “A” ગ્રેડની મિલકતો માટે 1.6 નો ફેક્ટર, “B” ગ્રેડ માટે 1.1, “C” ગ્રેડ માટે 0.9 તથા “D” ગ્રેડની મિલકતો માટે 0.6નો ફેક્ટર નિર્ધારિત કરાયો છે. બોપલ-ઘુમાનો એકપણ વિસ્તાર A ગ્રેડમાં આવતો નથી, જ્યારે સાઉથ બોપલનો મોટા ભાગનો વિસ્તારમાં B ગ્રેડમાં આવે છે. સાઉથના કેટલાક વિસ્તાર ઉપરાંત નોર્થનો મોટા ભાગનો વિસ્તાર C ગ્રેડમાં આવે છે. જ્યારે બોપલ-ઘુમાની ગામતળની તમામ મિલકતોનો D ગ્રેડમાં સમાવેશ કરાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલ-ઘુમાની મિલકતોમાં ક્ષેત્રફળ મુજબ ટેક્સ લેવામાં આવશે, જેને કારણે મિલકતવેરાની રકમમાં બેથી ત્રણ ગણો સીધો વધારો થશે. ટેક્સની આકારણી જંત્રી દર મુજબ કરવામાં આવી રહી છે, જેમાં ચાર ગ્રેડમાં વિસ્તારને વહેંચાયો છે. બોપલ-ઘુમાના નાગરિકોને નગરપાલિકા હતી ત્યારે રો હાઉસ એટલે કે બે રૂમ રસોડાના મકાનનો સરેરાશ રૂ. 1000 વેરો આવતો હતો, પરંતુ હવે AMCની ફોર્મ્યુલા મુજબ આ જ મકાનના માલિકે રૂ. 3000 ટેક્સ ચૂકવવો પડશે. એમ છતાં લાઈટ-પાણી-ગટરની સુવિધાઓ તેમને ક્યારે મળશે એ નક્કી નથી.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, શહેરના બોપલ-ઘુમાવાસીઓની AMC દૂઝણી ગાયની જેમ ગણતરી કરતું હોય એ રીતે બે વર્ષ પહેલાં જેણે વાહન ખરીદ્યા હોય તેમની પાસે પણ વ્હીકલ ટેક્સની ઉઘરાણી કરવા માંડી છે. જ્યારે કે બોપલ-ઘુમા નગરપાલિકાનો વિસ્તાર હજી ગત એપ્રિલ-2021માં જ AMCમાં ભળ્યો હતો. એ પહેલાં નગરપાલિકાની સત્તા લાગુ પડતી હતી. હવે જ્યારે આ આખો વિસ્તાર નગરપાલિકાની હદમાં હતો એ સમયની ટેક્સની આકારણી AMC કઈ રીતે કરી શકે એવો પ્રશ્ન ઊભો થયો છે. છેલ્લા એક મહિનામાં જ બોપલના ઓછામાં ઓછા 1 હજારથી વધુ વાહનમાલિકોને 2019 અને 2020માં ખરીદેલાં વાહનો માટે મ્યુનિ. વ્હીકલ ટેક્સ ભરવાની નોટિસો AMCએ પકડાવી દીધી છે. બીજીબાજુ  એક વર્ષથી AMCએ પણ બોપલ અને ઘુમાને પોતાનામાં ભેળવી દીધા છે, પરંતુ હજી પણ અહીં પાયાની સુવિધાના ઠેકાણા નથી. આ વિસ્તારમાં ‘ડોર ટુ ડોર’ કચરો ઉપાડવાની ગાડી માંડ 2 દિવસે એકવાર આવે છે અને તેમાં પણ ગાડી ભરેલી જ હોય છે. બીજું કે મુખ્ય રોડ પરથી કચરો વાળવાના કામના પણ ઠેકાણા નથી. સફાઈના કોન્ટ્રેક્ટરોને તો જાણે ફાવતું જડી ગયું છે. બીજી તરફ, બોપલના મોટા ભાગના વિસ્તારો સ્ટ્રીટલાઈટથી વંચિત છે. અંદરના રોડ પર તો ઘોર અંધારું રહે છે.

આ ઉપરાંત આખા બોપલ અને ઘુમાના એકપણ વિસ્તારમાં નર્મદાનું પીવાનું પાણી આવતું જ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ વર્ષોથી વાતો કરે છે, પરંતુ નર્મદાના પાણીની લાઈન આંબલી ગામે આવીને અટકી ગઈ છે. બોપલ અને ઘુમા વિસ્તારનું જાણે કોઈ રણી-ધણી ન હોય એ રીતે જ તેમની સાથે વ્યવહાર કરવામાં આવતો હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code