![અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં 287 જેટલા મકાનો જર્જરિત, 5 મકાનો હટાવાયા](https://www.revoi.in/wp-content/uploads/2023/06/મકાન.jpg)
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં 287 જેટલા મકાનો જર્જરિત, 5 મકાનો હટાવાયા
અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા નીકળશે. રથયાત્રાને લઈને શહેર પોલીસ ઉપરાંત મનપા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન રથયાત્રાના રૂટ ઉપર લગભગ 287 જેટલા મકાનો જર્જરિત સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. જેથી રૂટ ઉપર આવતા અતિજર્જરિત પાંચ જેટલા મકાનો તોડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત જર્જરિત મકાનોના માલિકોને નોટીસ પણ આપવામાં આવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં રથયાત્રાના 14 કિમીના રૂટ ઉપર 287 જેટલા મકાનો જર્જરિત સ્થિતિમાં છે. જેમને નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન જર્જરિત મકાનો પૈકી સૌથી વધારે ખાડિયા વિસ્તારમાં હોવાનું જાણવા મળે છે. ખાડિયામાં 180 જેટલા જર્જરિત મકાનો છે. આ ઉપરાંત દરિયાપુર વોર્ડમાં 84, જમાલપુરમાં 10 અને શાહપુરમાં ચાર જેટલા જર્જરિત હાલતમાં છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે મકાનોને નોટિસ પાઠવી છે. દરમિયાન રથયાત્રા રૂટ પર આવેલા અતિ જર્જરિત 5 મકાનોને તોડી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળશે. દરમિયાન રથયાત્રાના રૂટ ઉપર રથયાત્રાનું વિવિધ ધર્મ અને સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. એટલું જ નહીં તેમણે જાંબુ અને મગ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સારંગપુરમાં ભગવાનના મામાના નિવાસસ્થાને ભવ્ય મામેરુ કરવામાં આવશે.